સુરત: અઠવાલાઇન્સ ખાતે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ
વિવિધ પોસ્ટરો, બેનરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપતા વિધાર્થીઓ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતદાતા જાગૃતિ માટે અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી જિલ્લા કોર્ટના વિસ્તારથી પો.ગ્રાઉન્ડ સુધી વોકેથોન રેલી યોજાઈ હતી.
આ વોકેથોન રેલીને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે.જે.રાઠોડ તથા આર.સી.પટેલ, ડી.સી.પી. શ્રીમતી હેતલ પટેલ તથા અમિતા વાનાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ વોકેથોનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને ‘૧૦ મિનીટ દેશ માટે’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, “મતદાન આપણો અધિકાર”, ‘અવસર લોકશાહીનો’, ‘પહેલા મતદાન પછી અન્ય કામ’ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો.
આ અવસરે નાયબ પોલીસ કમિશનર હેતલબેન પટેલે દેશની આઝાદી માટે શહીદી વ્હોરનારા ક્રાંતિવીરોને યાદ કરીને સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાઈ અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે.જે.રાઠોડે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવીને ચૂંટણી પંચ દ્વારા એક એક મતની કિંમત સમજીને દુર્ગમ જંગલોના ગામો, પહાડી વિસ્તારોમાં પણ મતદાન મથકો ઉભા કરવામાં આવે છે એમ જણાવી મતદાનની પવિત્ર ફરજ સમજીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.