સુરત-વેસુમાં વિશાળકાય આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવવનું ભવ્ય ઉદ્ઘાટન થયું
સુરતના વિકસતા વિસ્તાર વેસુમાં વિશાળકાય બિલ્ડીંગો સતત બની રહ્યા છે. દરેક એરિયામાંથી જૈનો પણ વેસુમાં વસવાટ કરી રહ્યા છે. જોલી રેસીડેન્સીની બાજુમાં ભવ્ય રાજમહેલ જેવું વિશાળકાય આરાધનાભવન નિર્માણ માટે પ્રવચન પ્રભાવક પૂ. આ. સાગરચંદ્રસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાને ઝીલી એક ભવ્ય ભવન તૈયાર થયું. 14મી મેના રવિવારે આ આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનું ઉદઘાટન વેસુ સંઘપ્રમુખ દીનાબેન કનૈયાલાલ અજબાણી પરિવારના મુકેશભાઈના હસ્તે થયું હતું.
ફ્લોરન્સ બિલ્ડીંગથી શોભાયાત્રા સાથે વાજતે ગાજતે સૌ પધાર્યા હતા. પૂ. ગુરુ ભગવંતના શ્રીમુખે માંગલિક શ્રવણ કરી શુભમૂહુર્તે ઉપાશ્રયનું ઉદઘાટન થયું હતું. બેઝમેન્ટમાં ભોજનશાળા- આયંબિલ શાળા, ગ્રાઉન્ડ ફલોરમાં પ્રવચન હોલ- બે ઉપાશ્રય – વિવિધ રૂમો વગેરેમાં ઉદારદિલ લાભાર્થીઓ દ્વારા તકતીઓનું અનાવરણ કરાયું હતું.
સાતક્ષેત્ર – જીવદયા, અનુકંપામાં લાભ, સમગ્રસંકુલમાં કંકુથાપા વગેરે માંગલિક વિધિ કરાઇ હતી. આ જગ્યાએ ચોમાસું, ઉપધાન, સિદ્ધિતપ, નવકાર જપ, પ્રવચન વગેરે અનેક અનુષ્ઠાનો થયા છે. હાલમાં 225 તપસ્વીઓ વર્ષીપત આરાધના કરે છે. તેમના દ્વારા ઉપાશ્રયનું વાસ્તુપૂજન પણ કરાયું હતું. આ પ્રસંગે આ. મૃદુરત્નસાગરસૂરિજી, અનેક શ્રમણીઓ તથા કોર્પોરેટર સુભાષ દેસાઇ, નેન્સીબેન, નીરવ શાહ તથા અનેક શ્રેષ્ઠીઓ પધાર્યા હતા.