સુરત:સોમવાર: સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ દ્વારા તા.૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન ગોપીન ગામ, મોટા વરાછા, અબ્રામા રોડ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩’ને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે તા.૧૧મીએ સાંજે ૬.૩૦ વાગ્યે ખૂલ્લો મૂકાશે. ફૂડ એક્સપોમાં રાજ્યભરના પ્રાકૃતિક ખેતી કરતા ૩૦૦ ખેડૂતો દ્વારા ઝેરી રસાયણમુક્ત પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખેતપેદાશો, ધાન્યોનું સીધું વેચાણ કરાશે. સુરતવાસીઓને ખેડૂતોના પ્રાકૃત્તિક ઉત્પાદનો ઘરઆંગણે મળી શકે, અને પ્રાકૃત્તિક કિસાનોને વેચાણ માટે પ્લેટફોર્મ મળે તેમજ અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા હેતુથી ‘ચાર દિવસીય ફૂડ એક્સપો’નું આયોજન કરાયું છે.
વર્ષ ૨૦૧૮માં અમદાવાદથી શરૂ થયેલી પ્રાકૃતિક ખેતીની ચળવળને પરિણામે આજે રાજયમાં ગામે-ગામ નાના મોટા ખેડૂતોએ ઝેરી દવા અને રસાયણમુક્ત ખેતીને અપનાવી છે. મિનાક્ષી ડાયમંડના ચેરમેન, ઉદ્યોગપતિ અને સમાજસેવક ધનજીભાઇ રાખોલિયાએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે પોતાના વતન લાઠી તાલુકાના અકાળા ગામેથી ત્રણ વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશોના વેચાણની શરૂઆત કરી હતી.
રાજ્યપાલએ સામાન્ય ખેડૂતોની સાથોસાથ અગ્રણી ઉદ્યોગપતિઓને પણ પ્રાકૃતિક કૃષિના જનઆંદોલનમાં યોગદાન આપવાના કરેલા આહ્વાનને ઝીલી ધનજીભાઈએ ‘સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ’ના નેજા હેઠળ સુરતના આંગણે સમગ્ર ગુજરાતમાંથી ૩૦૦ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને નિમંત્રણ આપીને ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩’નું આયોજન કર્યું છે.