ઈન્ડિયન ક્રિકેટટીમનો પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ બનાવી રહ્યોછે અનેક ‘મુનાફ’
‘‘ મુન્ના, મુન્ના, મુન્ના ’’ આ નામની ચિચિયારીઓ ભરૂચ અને વડોદરા ડિસ્ટ્રીક્ટના દરેક ક્રિકેટના મેદાનોમાં ખૂબ ગુંજતી હતી અને આ નામ બાદમાં ઈન્ટરનેશન લેવલે ગુંજવા માંડ્યું. ત્યાં સુધી કે વર્ષ 2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો પણ તેને ‘અજ્ઞાત યોદ્ધા’ લેખાવાયો હતો. હવે આ યોદ્ધા તેની જેવા જ યોદ્ધાઓની ફૌજ તૈયાર કરવા જી-જાનથી મંડી પડ્યો છે. આ ‘મુન્નો’ છે ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાતા ફાસ્ટ બોલર મુનાફ પટેલ.
હાઈએસ્ટ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી ભલભલા બેસ્ટમેનને કંપાવનાર મુનાફ પટેલ નિવૃત્તિ બાદ બેસી રહેવાને બદલે તેમના જેવી જ ‘પ્રતિભા’ શોધીને તેને વિકસાવવાનું કામ બરોડા ક્રિકેટ એસોસિયેશનના મેદાન પર ભારે ખંત સાથે કરી રહ્યાં છે. જેમની આ મહેનત આવનારા સમયમાં ભારતીય ક્રિકેટને મુનાફ જેવા બીજા અન્ય ફાસ્ટ બોલર આપી શકે છે.
મુનાફ પાસે ટ્રેનિંગ લેતા ગામડાંના યુવાઓ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં દસ્તક દઈ શકે
બીસીએ આદિત્ય બિરલાની સ્પોન્સરશીપ હેઠળ મુનાફ પટેલના મારફત સ્ટ્રીટ લાઈટ ટુ ફ્લડ લાઈટ ટેલેન્ટ સર્ચ ચલાવી રહ્યું છે અને તે બીસીએના સીઈઓ શિશિર હટગંડી અને કોર ટીમની નિગરાનીમાં થઈ રહ્યું છે. હાલ મુનાફ પટેલ ભરૂચ અને વડોદરા જિલ્લામાં તેમજ પુરાના ગાયકવાડી સ્ટેટમાં આવતા જિલ્લાઓ અને ગામડાંઓમાં કેમ્પ કરીને ટેલેન્ટ બહાર લાવી રહ્યો છે અને તે પૈકી સિલેક્ટ થતા સંખ્યાબંધ યુવાઓને ફાસ્ટ બોલિંગના પાઠ ભણાવી રહ્યો છે.
મુનાફનું કહેવું છે કે, મારું ફોક્સ ગામડાંઓમાંથી પ્રતિભા શોધી તેને તૈયાર કરી ભારતીય ટીમ સુધી પહોંચાડવાનું છે. અમે 16થી 21 વર્ષના યુવાઓને શોધી તેને બરોડા કેમ્પમાં લઈ જઈ તૈયાર કરી રહ્યાં છે. જેમાં સૌથી પ્રતિભાવાન છોકરાઓ પર બીસીએ દ્વારા નક્કી કરાયા મુજબ મહેનત કરવામાં આવી રહી છે. હજી અનેક જગ્યાએ કેમ્પ કરવામાં આવશે. જો, હું પોતે, ઝાહિરખાન, રાકેશ પટેલ, લુકમાન જેવા ખેલાડી ગામડાંઓમાંથી ઉપર આવી શકતા હોય તો બીજા કેમ નહીં? તે વાત ધ્યાને રાખી અમે આગળ વધી રહ્યાં છે. આવનારા દિવસોમાં તેનું પરિણામ જરૂર મળશે. સ્વભાવના સરળ મુનાફનો એક જ ગોલ હવે છે કે ભારતીય ક્રિકેટ ટીમને સૌથી ફાસ્ટ બોલર્સ આપવા.
ખેતીકામ કરનારનો પુત્ર સંઘર્ષ થકી સ્થાન પામ્યો ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં
ભરૂચ જિલ્લાના ઈખર ગામના ખેતીકામ કરતા મુસાભાઈના પુત્ર મુનાફ પટેલનું આમ તો ક્રિકેટમાં કરિયર બનાવવાનું કોઈ સ્વપ્ન ન હતું. એ તો શોખ માત્ર માટે ક્રિકેટ રમતા હતા. ધોરણ-7માં હતો તે સમયે ઘરઆંગણેની શાળામાં તેમજ નાની-મોટી ટુર્નામેન્ટમાં એ રમતા હતા. થોડા સમયમાં જ તો તે આસપાસના ગામોમાં સૌથી ફાસ્ટ બોલર અને વિકેટ ટેકર તરીકે પ્રખ્યાત થવા લાગ્યા.
બે ટંક ખાવા માટે જજૂમતા ખેતીકામ કરતા પિતા ઈચ્છતા ન હતા કે પુત્ર મુનાફ પોતાના શોખ માટે પણ ક્રિકેટ રમવા જાય. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી મુનાફે આટલી નાની વયમાં જ પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો અને તે ગામની નજીકમાં આવેલી એક ટાઈલ્સ બનાવતી કંપનીમાં રૂ. 35 રોજના પગારે નોકરીએ લાગ્યા.
જોકે, સ્કૂલના શિક્ષકોએ તેને ક્રિકેટ રમતા રહેવા પ્રેરિત કર્યા . ભરૂચ અને વડોદરા જિલ્લામાં મુનાફ એટલે કે મુન્નો નામ ગુંજવા લાગ્યું હતું. ગરીબી એટલી હતી કે મુનાફ સિઝન ક્રિકેટ પણ સ્લીપર ચપ્પલ પર જ રમતા હતા.
મુનાફને પહેલા કિરણ મોરે અને બાદમાં સચિન તેંડુલકરે મદદ કરી
મુનાફની પ્રતિભા અને શોખને જોતા મૂળ ઈખર ગામના અને વિદેશમાં સેટ થયેલા યુસુફભાઈ પટેલ નામના વ્યક્તિએ તેઓને બુટ અપાવ્યા અને વડોદરા ક્રિકેટ એસોસિયેશનમાં પ્રોફેશનલ ટ્રેનિંગ માટે પોતાના ખર્ચે મોકલવાનું શરૂ કર્યું. પિતા ઈચ્છતા હતા કે મુનાફ થોડું ભણી લે અને ઝાંબિયા રહેતા કાકા પાસે જઈને કંઈ કામ કરે પરંતુ મુનાફનું નસીબ કંઈક ઔર જ કહેતું હતું અને અહીં પૂર્વ વિકેટ કિપર કિરણ મોરેની નજરમાં તે આવ્યા અને ગુજરાતમાં ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમવા લાગ્યા.
બાદમાં મોરેએ તેને કોલકત્તા ખાતે એમઆરએફ પેશ ફાઉન્ડેશનમાં મોકલ્યા. ત્યાં બોલિંગ કોચ ડેનિસ લીલીએ તેને વધુ સારી રીતે તૈયાર કર્યા. અહીં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મુનાફથી પ્રભાવિત થયા અને તેને મુંબઈ તરફથી રણજી મેચ રમવા સૂચન કર્યું અને તે માટે બનતી મદદ કરી. તેમનું પ્રદર્શન જોઈને સૌ પ્રથમ 2006માં ઈંગ્લેન્ડની ફર્સ્ટ ક્લાસ ક્રિક્રેટ ટીમમાં તેમની એન્ટ્રી થઈ અને ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી સિલેક્ટરોનું વધુ ધ્યાન ખેંચ્યું.
મુનાફમાં સિલેક્ટરોને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ ગ્લેન મેકગ્રાની ઝલક નજર આવી અને તેને 2007ની વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યું. જોકે, તેમાં ખૂબ ખરાબ પ્રદર્શનને લઈને ટીમ હારી અને ભારે ટીકા થઈ પણ મુનાફે ટેસ્ટ, વનડે, ટી-20 અને બાદમાં આઈપીએલમાં સ્થાન મળતું રહ્યું. વર્ષ 2011ના વર્લ્ડકપ સમયે ફાસ્ટ બોલર પ્રવિણકુમાર ઈજાગ્રસ્ત થતા મુનાફને તક મળી અને તે તકને તેઓએ પરિણામમાં બદલી. તેની બોલિંગ એટલી પ્રભાવશાળી રહી કે તેઓને વર્લ્ડકપની ટીમના અજ્ઞાત યોદ્ધાનું બિરુંદ ભારતના કોચ એરિક સાયમન્સે આપ્યું. ફાઈનલમાં તેણે ખૂબ જ મહત્વની બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાનો જીતનો પાયો નાંખ્યો.
જોકે, બાદમાં પગની ઈજા બાદ મુનાફ ટીમમાં પરત ન ફરી શક્યા
2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો મહત્વપૂર્ણ સભ્ય ત્યારબાદ પગની એંકલની ઈજાને કારણે છ મહિના ટીમમાંથી બહાર રહ્યાં પરંતુ ત્યારબાદ તેમને ફરી ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું. જોકે, આઈપીએલમાં રાજસ્થાન રોયલ સાથે 6 સિઝન મુનાફ રહ્યાં. પરંતુ નવી પ્રતિભાઓ વચ્ચે વર્ષ 2014માં કોઈ પણ આઈપીએલની ટીમે તેઓની બોલી ન લગાવી.
જોકે , ફરી 2017માં ગુજરાત લાયન્સે રૂ. 30 લાખમાં તેઓને ટીમમાં સામેલ કર્યાં. બાદમાં ઈજાથી પરેશાન મુનાફ પટેલે વર્ષ 2018માં તમામ ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. મુનાફના ખાતામાં ટેસ્ટ, વનડે, ટી-20 અને આઈપીએલ મળી 199 વિકેટ છે. મુનાફ બંને તરફ બોલને સ્વીંગ કરાવી શકતા અને તેઓની સૌથી ફાસ્ટ બોલ પ્રતિ કલાકે 140ની કિલોમીટરની રહેતી. સામાન્ય બોલ પણ તેઓ 126 કિલોમીટરની ઝડપે નાંખતા
. મુનાફ આટલી ઊંચાઈ પહોંચવા માટે ઈશ્વરનો આભાર માને છે. માત્ર અફસોસ એક વાતનો છે કે, ઈજાને કારણે તેઓએ ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું. જોકે, મુનાફ હવે તે અફસોસથી આગળ નીકળી તેમના કરતા સારા બોલર્સ ઊભા કરવામાં ખૂબ જ એક્ટિવ ભૂમિકા નિભાવી રહ્યાં છે અને તેનો ટાર્ગેટ દેશને સૌથી ફાસ્ટ બોલર્સ આપવાનો છે.