ગુજરાતસુરત

સુરતમાં ‘વસ્તી નિયંત્રણ કાર્યક્રમ’ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૭,૩૯૯ જેટલા સ્ત્રી-પુરુષોની નસબંધી તથા ૭,૮૦૩ મહિલાઓમાં કોપર-ટીનો ઉપયોગ મુકવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા ‘કુટુંબ કલ્યાણ કાર્યક્રમ’ હેઠળ સ્ત્રી-પુરુષ નસબંધી, ગ્રીનકાર્ડ, દીકરી રૂડી સાચી મૂડી અને રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા પત્રો જેવા આવકારજન્ય પ્રયત્નો કાર્યરત

સુરતઃ ૧૧મી જુલાઈને વિશ્વ વસ્તી દિવસ એટલે કે “World Population dayતરીકે ઉજવણી કરવામાં આવે છે. સાંપ્રત સમયમાં સતત વધતી વસ્તી એ ગંભીર ચિંતાનો વિષય છે. વધતી જતી વસ્તીના કારણે ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારી જેવી સમસ્યાઓ પર જોવા મળે છે ત્યારે વસ્તી નિયંત્રણ માટે ચોક્કસ પગલા લેવાય તે આવશ્યક બની જાય છે. વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય તથા વધતી વસ્તી પર અંકુશ લાદવા માટે ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ’ કાર્યક્રમની સંચાલન પરિષદ દ્વારા ઇ.સ.૧૯૮૯થી ‘વિશ્વ વસ્તી દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. 

સુરત જિલ્લામાં વસ્તી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જેમાં ૭,૩૯૯ જેટલા સ્ત્રી-પુરુષોમાં નસબંધી તેમજ ૭,૮૦૩ મહિલાઓમાં કોપર-ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ સ્ત્રી-પુરુષ નસબંધીના પ્રોત્સાહક પગલા ઉપરાંત ગ્રીનકાર્ડ, દીકરી રૂડી સાચી મૂડી અને રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા પત્રો જેવા પ્રોત્સાહક પગલા લેવાય રહ્યા છે.

વસ્તી વિસ્ફોટને કારણે ગામડાંઓની વસ્તી ઓછી અને શહેરીકણનો વ્યાપ વિસ્તૃત થઈ રહ્યો છે. રહેણાંક વિસ્તારનો વ્યાપ વધવાથી ખેતીલાયક જમીનમાં નિરંતર ઘટાડો થતો જોવા મળે છે. જેના પરિણામે ઉત્પાદનમાં પણ ઉત્તરો-ઉત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. અલ્પવિકસીત તથા વિકાસશીલ દેશોમાં એક તરફ વધતી વસ્તીને કારણે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની માંગ વધી રહી છે ત્યારે બીજી તરફ ઉત્પાદનમાં થઈ રહેલા સતત ઘટાડાથી ભુખમરાની વિકરાળ સમસ્યા સર્જાય રહી છે. જેથી વસ્તી વિસ્ફોટને અંકુશમાં લેતા કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક અને વેગવાન બનાવવા આવશ્યક થયા છે. અત્રે ઉલ્લેખનીય છે. કે સૌ પ્રથમ ૧૯૫રમાં ‘રાષ્ટ્રીય વસ્તી નીતિ કાર્યક્રમ’ હાથધરી વસ્તી વધારાની સમસ્યાને હળવી બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવી હતી. 

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૪૫ સુધીમાં વસ્તી વધારાને સ્થિર કરવાના ઉદ્દેશ સાથે નવી ‘રાષ્ટ્રીય વસ્તી નીતિ’ અમલમાં મૂકી છે. જેને સિદ્ધ કરવા ૧૪ વર્ષની ઉંમર સુધીનું શાળા શિક્ષણ ફરજિયાત અને મફત બનાવવુ, પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શિક્ષણ સ્થગિતતાનું પ્રમાણ ઘટાડવું તેમજ બાળલગ્ન પ્રતિબંધ તથા નાનું કુટુંબ, સુખી કુટુંબના સૂત્ર સાથે પરિવાર નિયોજન અંગેની જાગૃતિ માટે પ્રચાર-પ્રસારની સાથે પરિવાર નિયોજનના સાધનની સાર્વત્રિક ઉપલબ્ધિ જેવા પગલાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ વસ્તી વિષયની સાથે જન્મનો ફાળો પણ અતિ મહત્વનો છે. જેના દ્વારા સમગ્ર વિશ્વની માનવ સંખ્યામાં થતા ફેરફારોને જાણી શકાય છે. રાજ્યમાં જન્મ-મરણ નોંધણી અધિનિયમ-૧૯૬૯ અંતર્ગત જન્મની ઘટનાનાં ૧૪ દિવસ અને મરણની ઘટનાનાં સાત દિવસ અંદર નોંધણી કરાવવી કાયદાકીય રીતે ફરજિયાત છે.

વિશ્વ વસ્તી દિવસનો ઇતિહાસ: 

૧૧ જુલાઈ, ૧૯૮૭ ના રોજ વિશ્વની વસ્તી ૫ અબજ સુધી પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં યુનાઈટેડ નેશન્સે વધતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ પછી, ૧૧ જુલાઈ ૧૯૮૯ ના રોજ, સંયુક્ત રાષ્ટ્રમાં વસ્તી નિયંત્રણ અને લોકોને કુટુંબ નિયોજન વિશે જાગૃત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે પ્રથમ વખત વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને ‘વિશ્વ વસ્તી દિવસ’ તરીકે નક્કી કરવાનો નિર્ણય કર્યો. તેને વર્ષ ૧૯૯૦માં સત્તાવાર બનાવવામાં આવ્યું હતું. ત્યારથી, વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે ૧૧ મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 

વિશ્વ વસ્તી દિવસનું મહત્વ:

સતત દોડતી દુનિયામાં વધતી વસ્તીને કારણે લાખો લોકો ખોરાક, પીવાનું શુદ્ધ પાણી, રહેઠાંણ અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. બેરોજગારી, ભૂખમરો, ગરીબીની સાથે કેટલાય લોકો પ્રદૂષણને કારણે થતા રોગોથી પીડાઈ રહ્યા છે. આ તમામ સમસ્યાઓનું મૂળ વધતી જતી વસ્તી છે. ત્યારે કોઈ પણ દેશના વિકાસમાં અવરોધ સમી વધતી જતી વસ્તી માટે જવાબદાર બની લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી દર વર્ષે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૩ની થીમ:

દર વર્ષે ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ એક વિશેષ થીમ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ પોપ્યુલેશન ડે ૨૦૨૩ની થીમ પર ઉજવાઈ રહ્યો છે. ‘એક એવી દુનિયાની કલ્પના જ્યાં આપણે તમામ ૮ અબજ લોકોનું ભવિષ્ય આશા અને સંભાવનાઓથી ભરેલું હોય’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button