જિલ્લા યુવા સંસદ વર્ચ્યુઅલ મોડમાં યોજાશે: સ્પર્ધામાં ભાગ લેવા તા.૨૬ જાન્યુ. સુધી અરજી કરી શકાશે
સુરતઃ દેશના યુવાઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા તેમજ દેશના સંસદમાં ચાલી રહેલી વર્તમાન સ્થિતિથી વાકેફ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે સુરત નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ અંતર્ગત જિલ્લા યુવા સંસદ મહોત્સવ યોજાશે. યુવા સંસદ મહોત્સવમાં ‘એક બહેતર કલ કે લીએ.. વિચાર વિશ્વ કે લીએ ભારત..’ સ્પર્ધાનો મુખ્ય વિષય તા.૨૪મી જાન્યુ.ના રોજ જાહેર કરાશે. જિલ્લા યુવા સંસદ વર્ચ્યુઅલ મોડમાં યોજાશે.
૧૮થી ૨૫ વર્ષના યુવાઓ માટે તા.૨૫થી ૨૯ જાન્યુ. વચ્ચે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ સવારે ૧૦થી ૫ વાગ્યા સુધીમાં નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના કાર્યાલય રેશમ ભવન, લાલ દરવાજા ખાતેથી મેળવી શકાશે. સ્પર્ધા હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં યોજાશે. અરજી કરવાની છેલ્લી તા.૨૬ જાન્યુ. સાંજના ૫.૦૦ વાગ્યા સુધી રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાશે. પ્રથમ બે વિજેતાઓને રાજ્યસ્તરે ભાગ લેવાની તક મળશે.
રાજ્યસ્તરના ત્રણ વિજેતાઓ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને રૂ. ૨ લાખ, રૂ. ૧.૫૦ લાખ તથા રૂ. ૧ લાખનું ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે ચોથા અને પાંચમાં ક્રમે આવનાર સ્પર્ધકને રૂ. ૫૦ હજારનું ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરાશે એમ નહેરૂ યુવા કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.