સ્પોર્ટ્સ

ઇન્દોર નેશનલ રેન્કિંગ ટીટીમાં દેવ ભટ્ટને સિલ્વર મેડલ

ગાંધીધામ : ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ મધ્ય પ્રદેશ ટેબલ ટેનિસ એસોસયિયેશનના ઉપક્રમે ઇન્દોરના અભય પ્રસાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના ઉભરતા ખેલાડી દેવ ભટ્ટે રાજ્યને ગૌરવ અપાવતાં બોયઝ અંડર-13 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ 28 ઓક્ટોબર થી ચોથી નવેમ્બર દરમિયાન યોજાઈ છે.

રાજકોટના 12 વર્ષીય પેડલર દેવ ભટ્ટે ફાઇનલમાં શાનદાર લડત આપી હતી પરંતુ અંતે બંગાળના આરિવ દત્ત સામે તેનો 0-3 (9-11, 9-11, 6-11)થી પરાજય થયો હતો. આરિવ આ ટુર્નામેન્ટમાં આઠમો ક્રમાંક ધરાવતો હતો. આ પરાજય છતાં દેવ ભટ્ટે તેની રમતથી સમગ્ર ચેમ્પિયનશિપમાં સૌને પ્રભાવિત કર્યા હતા.

આ સ્ટેટ સિઝનમાં અંડર-13 કેટેગરીમાં દેવ ભટ્ટે તેનું પ્રભુત્વ જમાવી દીધું હતું. તેણે ઇન્દોર ખાતે નેશનલ્સમાં રાઉન્ડ ઓફ 16માં આંધ્ર પ્રદેશના વેદાંશ નાદેલ્લાને 3-2થી હરાવ્યો હતો તો ક્વાર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્રના આથર અયાન સામે 3-2થી વિજય હાંસલ કર્યો હતો. સેમિફાઇનલમાં ગુજરાતના આ યુવાને શાનદાર પ્રદર્શન કરીને બીજા ક્રમના તિર્જલ વહોરા (પંજાબ)ને 3-1થી હરાવીને અપસેટ સર્જવાની સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

પહેલી વાર નેશનલ્સમાં રમી રહેલા દેવ ભટ્ટે જણાવ્યું હતું કે આરિવની રમત સમજવામાં તેને પડેલી મુશ્કેલે અંતે મેચ આંચકી લીધી હતી. “આ મારી પ્રથમ ફાઇનલ હતી પરંતુ હું જરાય નર્વસ થયો ન હતો. હુ તેની રમત પારખી શકયો ન હતો પરંતુ સિલ્વર મેડલથી હું સંતુષ્ટ છું. આ મારો સૌ પ્રથમ નેશનલ મેડલ છે.” તેમ તેણે ઉમેર્યું હતું.

દેવના લાંબા સમયના કોચ ચિંતન ઓઝાએ તેની રમતની પ્રશંસા કરી હતી અને દેવના આ પ્રદર્શનને નેશનલ્સનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “સ્ટેટ લેવલ પર સતત સારો દેખાવ કર્યા બાદ ઉચ્ચ કક્ષાએ તેનું પ્રદર્શન દાખવવા માટે આ યોગ્ય સમય હતો. તે ઝડપથી શીખી રહ્યો છે અને આ પરિણામથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે.” તેમ ઓઝાએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button