એજ્યુકેશનસુરત

રાષ્ટ્રીય શિક્ષણનીતિના ત્રણ વર્ષ પૂર્ણ: ૧૦+૨+૩ ની જગ્યાએ ૫+૩+૩+૪ મુજબના અભ્યાસક્રમ કેન્દ્રીય વિદ્યાલયોમાં અમલી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી નહીં કરવી પડે, કૌશલ્ય સંવર્ધનને પ્રાધાન્ય

સુરત: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના ત્રણ વર્ષ પૂર્ણ થતાં તેના હકારાત્મક પરિવર્તનોથી અવગત કરાવતા પ્રાચાર્યશ્રીએ કહ્યું કે, હાલમાં ૧૦+૨+૩  મુજબ શૈક્ષણિક પદ્ધતિના સ્થાને હવે ૫+૩+૩+૪ નું નવું માળખું અમલી બનશે. હાલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે  પણ લાગુ કરવામાં આવશે. ઉપરાંત, શાળાના વાતાવરણ સાથે બાળકો અનુકૂલન સાધી શકે તે માટે  બાળકના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ બાલવાટિકામાં તેમજ ૬ વર્ષનું થયા પછી ધો-૧ માં પ્રવેશ આપવામાં આવશે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ, રમત, વાર્તા, જ્ઞાનગમ્મત સાથે બે ભિન્ન વિષયોને એકબીજા સાથે એકીકૃત કરી (દા.ત. હિન્દીને ગણિત સાથે જોડવી) શિક્ષણ આપવા ઉપરાંત શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જોડાણ સ્થાપિત થાય તેવા શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રૂચિ મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભણતર પર ભાર મૂકવાથી પાઠ્યપુસ્તકો પરની નિર્ભરતા ઘટશે. ઉપરાંત ભવિષ્યમાં જે ક્ષેત્રમાં ઉજ્જવળ તક રહેલી છે, તેમાં ઝંપલાવવા કૌશલ્યવર્ધનને વણી લેવામાં આવ્યું છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ધો.૧ થી ૧૦ માં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ શ્રી રોહિલ્લાએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, શિક્ષણનીતિથી વિદ્યાર્થીઓમાં દક્ષતા કેળવાય અને અનુભવ આધારિત શિક્ષણ મળે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે એમ જણાવી ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.  શ્રી રોહિલ્લાએ શિક્ષણનીતિને પારદર્શક બનાવવી, ટેક્નોલોજીનો બને તેટલો ઉપયોગ કરવો. સર્વગ્રાહી મૂલ્યાંકન, વિવિધ ભાષાઓ શીખવવી, બાળકોના વિચારોને સર્જનાત્મક અને તાર્કિક બનાવવાના નવી શિક્ષણનીતિના લક્ષ્યો જણાવી તેના થકી મલ્ટી ડિસીપ્લીનરી શિક્ષણની સંકલ્પના સાકાર થશે એમ ઉમેર્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં હેડમાસ્ટર રમનજીત જોહર, પી.આઈ.બી.ના મીડિયા અને કોમ્યુનિકેશન ઓફિસરશ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલા, સહાયક માહિતી નિયામકશ્રી સી.એફ.વસાવા સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button