ગુજરાતસુરત

સુરતના હજીરા પોર્ટથી ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ

તા.૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન‘સાગર પરિક્રમા’યોજાશે: તા.૨૧મીએ મહારાષ્ટ્રમાં થશે સંપન્ન

સુરત:રવિવાર: ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા અને માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી, પશુપાલન મંત્રાલય દ્વારા તા.૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ સુરતના હજીરા પોર્ટથી કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ કરાવ્યો હતો.

  આ સંદર્ભે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ‘સાગર પરિક્રમા’ અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો, માછીમાર સમુદાયોને સરકાર દ્વારા અમલી કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત્ત કરવામાં આવે છે, સાથોસાથ પ્રગતિશીલ મત્સ્ય કિસાન લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ, PM મત્સ્ય સંપદા યોજના હેઠળ રેફ્રિજરેટેડ વાન, મોટર સાયકલ વિથ આઈસબોક્ષ સહિતની વિવિધ સાધનસહાય, ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગે ગુજરાતમાં ૫ અને ૬ માર્ચ, ૨૦૨૨ દરમિયાન સાગર પરિક્રમાના પ્રથમ તબક્કા અને તા.૨૨ થી ૨૫ સપ્ટે.૨૦૨૨ દરમિયાન દ્વિતીય તબક્કામાં  સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.  

રૂપાલાએ વધુમાં કહ્યું કે, આઝાદી બાદ તત્કાલીન સરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગની સદંતર ઉપેક્ષા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૪૭ થી ૨૦૧૪ સુધી કુલ માત્ર રૂ.૩૬૮૦ કરોડનો ખર્ચ કરાયો હતો. જેની સામે વર્તમાન કેન્દ્ર સરકારે સાગરખેડુઓના સર્વાંગી વિકાસ માટે PM મત્સ્ય સંપદા યોજના હેઠળ રૂ.૨૦ હજાર કરોડ અને ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ‘ (FIDF) રૂ. ૭૫૦૦ કરોડ પાત્ર એકમોને રાહતદરે ધિરાણ પૂરૂ પાડવા માટે ફાળવ્યા છે. રૂ.૫ હજાર કરોડની રિવોલ્યુએશન યોજના અમલી બનાવી છે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં રૂ.૬૦૦૦ કરોડની વધારાની યોજના શરૂ કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીકાળમાં મત્સ્ય ઉત્પાદન બે લાખ ટન હતું. જે વર્ષ ૨૦૧૩-૧૪માં ૬૧ લાખ ટન થયું. જ્યારે વર્ષ ૨૦૧૪થી અમારી સરકારના પ્રયાસોના કારણે છેલ્લા આઠ વર્ષમાં ૧.૨૧ કરોડ ટન સુધી ફિશરીઝ ઉત્પાદન પહોંચ્યું છે, અને આજે રૂ.૫૭,૦૦૦ કરોડનું એકસપોર્ટ કરવામાં સફળતા મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

  ભારત ૮ હજાર કિમીનો વિશાળ સાગર તટ ધરાવે છે. અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરીને દરિયો ખેડતા માછીમારોના સામાજિક અને આર્થિક વિકાસ અને ગ્રામીણ અર્થતંત્રને ધબકતું રાખવા માટે વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અલાયદા મત્સ્ય મંત્રાલયની રચના કરવામાં આવી હતી એનો ઉલ્લેખ કરતા શ્રી રૂપાલાએ સાગર પરિક્રમા એ સામાન્ય પ્રવાસનું માધ્યમ ન હોવાનું જણાવી આ પરિક્રમા છેવાડાના-અંતરિયાળ દરિયાકાંઠાના માછીમારોની સમસ્યાઓનો તાગ મેળવવા, તેમની રજૂઆતો સાંભળવા અને માછીમાર સમુદાયની રહેણીકરણી, સ્થાનિક સંસ્કૃતિનો ધબકાર ઝીલવાનો સાર્થક પ્રયાસ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.   દરિયાકાંઠે માછલીઓનું પ્રમાણ ઓછું હોવાથી મત્સ્ય વિભાગ ગુજરાત સરકારના સહયોગથી આર્ટિફિશીયલ રિફ્ટ, સી રેન્ચિંગ અને કેજ કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

  આ વેળાએ કેન્દ્રીય મત્સ્ય વિભાગના સંયુક્ત સચિવશ્રી સાગર મહેરા, NFDB ના ચીફ એક્ઝિક્યુટીવ ડો.સી. સુવર્ણા(IFS), ગાંધીનગરના મત્સ્યોદ્યોગ નિયામકશ્રી નિતીન સાંગવાન, NFDB ના સભ્યશ્રી વેલજી મસાણી, સુરત મત્સ્યોદ્યોગ કચેરીના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક બિંદુબહેન પટેલ અને પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button