ગાંધીધામ, 27 સપ્ટેમ્બરઃ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં શુક્રવારે ટુર્નામેન્ટના અંતિમ દિવસે અમદાવાદના મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટે વડોદરાના બીજા ક્રમના પ્રથમ માદલાણીને 4-1થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ હતી.
સ્ટેટ ટેબલ ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી આ ટુર્નામેન્ટ જોડાક શિપિંગ પ્રા. લિ. દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે અને તેના સહ સ્પોન્સર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા એસોસિયેટ્સ સ્પોન્સર કિરણ ફાઉન્ડેશન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હતા. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અન કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનનો સહયોગ સાંપડેલો હતો.
સુરતની સ્ટાર ખેલાડી અને ત્રીજો ક્રમાંક ધરાવતી ક્રિત્વિકા સિંહા રોયે સુરતની જ અને મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને 4-1થી હરાવીને વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું.
અંડર-19 બોયઝમાં ત્રીજા ક્રમના અરમાન શેખે અપસેટ સર્જીને સુરતના મોખરાના ક્રમના આયુષ તન્નાને હરાવીને ટાઇટલ જીત્યું હતું તો ગર્લ્સ કેટેગરીમાં ભાવનગરની રિયા જયસ્વાલ ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં તેણે મોખરાના ક્રમની મૌબોની ચેટરજીને 4-3થી હરાવી હતી.
બીજા ક્રમના અમદાવાદના હિમાંશ દહિયાએ અંડર-17 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું જ્યારે સાતમા ક્રમની પ્રાથા પવારે ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું.
અંડર-15 બોયઝમાં માલવ પંચાલ માટે આસાન માર્ગ બની ગયો હતો જ્યારે ગર્લ્સ કેટેગરીમાં ચોથા ક્રમની દાનિયા ગોદીલ (સુરત)એ શાનદાર પ્રદર્શન કરીને મૌબોનીને હરાવી ટાઇટલ જીત્યું હતું.
આ સાથે સુરત જિલ્લાએ આ વખતે અમદાવાદને પાછળ રાખીને છ ગોલ્ડ અને છ સિલ્વર મેડલ સાથે ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી.