સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારે તા. ર૧ ઓકટોબર ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સના ૮૩ માં સ્થાપના દિવસની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સની અવિસ્મરણીય સફરના સુકાનીઓ એવા ભૂતપૂર્વ પ્રમુખોનું સન્માન કરી તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરવામાં આવી હતી.
ચેમ્બરના સ્થાપના દિવસના સમારોહમાં પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના કેટલાક મહાજનોએ ભેગા થઈને ધંધા અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે તેમજ ધંધા અને ઉદ્યોગનું હિત સચવાય તેવા હેતુથી આ મહાન સંસ્થાની સ્થાપના કરી હતી. આ મહાજનોએ સ્થાપેલી સંસ્થા એટલે સુરત ચેમ્બર ઓફ કોમર્સ કે જે સમયાંતરે તેના કાર્યો અને વિકાસલક્ષી કાર્યો અને વિચાર–વિસ્તારથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખ પામી છે. આમ તો આપણી ચેમ્બર એક રિજીયોનલ ચેમ્બર ગણાય પરંતુ આપણને માન્યતા રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થઇ છે.
હાલના વડાપ્રધાન અને તે સમયના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતની વિવિધ ચેમ્બરોની હાજરીવાળી એક સભામાં કહયું હતું કે ‘ચેમ્બર કઈ રીતે ચાલી શકે તે શીખવું હોય તો ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કાર્યપદ્ધતિથી જ્ઞાત થવું જોઈએ. તેમણે જે ઉચ્ચ અને આદર્શ પરંપરાઓ પ્રસ્થાપિત કરેલી છે એ અનુસરવા જેવી છે.’ આ શબ્દોથી આપણી ચેમ્બરની યોગ્યતા તેઓએ હજારો લોકોની હાજરીમાં પ્રસ્થાપિત કરી હતી.
આપણા તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ આપણી આન, બાન અને શાન છે. સુરતની મોટાભાગની સામાજિક અને ઔધોગિક સંસ્થાઓમાં, એ સંસ્થાની મજબૂતીમાં અને એ સંસ્થાના પાયામાં આપણા ભૂતપૂર્વ પ્રમુખો જ નિમિત્ત છે. ટૂંકમાં, તમામ સંસ્થાઓમાં સર્વોપરી મહાનુભાવો જ આપણી ચેમ્બરનું સુકાન સંભાળતા આવ્યા છે. આવી મહાન સંસ્થાના તમામ શિલ્પીઓને લાખ લાખ સલામ. આ સંસ્થાના પાયાના શિલ્પીમાં ભૂતપૂર્વ પ્રમુખોનો પરિશ્રમ, તેમની દીર્ઘદ્રષ્ટિ, તેમની દૂરંદેશી અને સૌને સાથે રાખીને ચાલવાની આદત સૌથી અગત્યની રહી છે.
આ સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખો ઇશ્વરલાલ જે. દેસાઇ, રજનિકાંત કે. મારફતિયા, જયવદન એન. બોડાવાલા, શરદચંદ્ર સી. કાપડીયા, મહેન્દ્ર આર. કાજીવાલા, રૂપીન આર. પચ્ચીગર, વસંતલાલ આઇ. બચકાનીવાલા, પ્રેમકુમાર એન. શારદા, રાજેન્દ્ર એન. ચોખાવાલા, અમરનાથ ડી. ડોરા, ભરત ટી. ગાંધી, પ્રફુલચંદ્ર બી. શાહ, નયન એન. ભરતિયા, અશોકકુમાર બી. શાહ, દિલીપ એન. ચશ્માવાલા, પ્રવિણ બી. નાણાવટી, અરવિંદલાલ સી. કાપડીયા, ચેતન એસ. શાહ, નિલેશ વી. માંડલેવાલા, ડો. અજોય પી. ભટ્ટાચાર્ય, રોહિત એસ. મહેતા, પરેશ આર. પટેલ, કમલેશ યાજ્ઞિક, મહેન્દ્રકુમાર એન. કતારગામવાલા, સીએ ચંદ્રકાંત એસ. જરીવાલા, બી.એસ. અગ્રવાલ, સીએ પી.એમ. શાહ, હેતલ આર. મહેતા, કેતન પી. દેસાઇ, દિનેશ આર. નાવડિયા અને આશીષ પી. ગુજરાતીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ચેમ્બરનું મુખપત્ર ‘સમૃદ્ધિ મેગેઝીન’ના વિશેષાંકનું ઓફિસ બેરર્સ તથા ભૂતપૂર્વ પ્રમુખોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભૂતપૂર્વ પ્રમુખોના હસ્તે કેક કાપીને ૮૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ સમારોહમાં પ્રાસંગિક વિધિ કરી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેનો દીપક કુમાર શેઠવાલાએ સમારોહના કન્વીનર તરીકે સેવા આપી હતી અને નિખિલ મદ્રાસીએ સમારોહનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું. આ સમારોહમાં ગાયક દેવાંગ દવે દ્વારા ગીતોની સુરાવલી રજૂ કરવામાં આવી હતી.