યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવી લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરતાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ
સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે 'સ્વયં અને સમાજ માટે યોગ'ની થીમ પર ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઇ
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.
‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં મંત્રીશ્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, SMCના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી, મનપા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.