બીયુસી કે ફાયર સેફ્ટીનાં નિયમોનો કોઈપણ પ્રકારની ભેદભાવની નીતિ વગર અમલ થાય: પાયલ સાકરીયા
સુરત : રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રની ઢીલી કામગીરી બાબતે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ શાસકો અને તંત્રને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, આટલા મોટા અગ્નિકાંડ બાદ કોઈપણ કર્મચારી કે અધિકારી સામે પગલાં શા માટે નથી લીધા ? ભાજપના નેતા કે તેના મળતીયાનું ગેમ ઝોન હોઈ,કે શેડ હોય કે કોઈ યુનિટ હોઈ તેના પર કાર્યવાહી નથી કરી. ભાજપના મળતીયાઓના ડોમ કે શેડ પર કાર્યવાહી નથી કરી. ભાજપના નેતા કે તેના મળતીયાની સ્કૂલ ,ધંધાનું યુનિટ હોઈ તો તેના પર કાર્યવાહી નથી કરી.
પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે આટલા મોટા કાંડ પછી પણ કોઈ મોટા બિલ્ડર પર કાર્યવાહી નથી કરી જે શાસકો માટે શરમજનક વાત કહેવાય. ફક્ત નિર્દોષોને રંજાડવા સિવાય કંઈ નથી. પાયલ સાકરીયાએ સુરત મનપા વહીવટી તંત્ર પર પસ્તાળ પાડતા કહ્યું હતું કે, રાજકોટ દુર્ઘટના પછી સુરત મહાનરપાલિકના વહીવટી તંત્રએ કાર્યવાહી કરી પરંતુ કોઈ જવાબદાર મોટા બિલ્ડર પર નહિ, બિલ્ડિંગમાં નાનો દુકાનદાર હોય, ચાની લારી ચલાવતો હોય, ઓફિસ ચલાવતો હોય આ બધા પર કાર્યવાહી કરી.
પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ અમારી માંગ એ છે કે રાજકોટ આગ દુર્ઘટનાના મૃતકોને ન્યાય મળે અને જવાબદારોને સખતમાં સખત સજા મળે. સાથે સાથે ફાયર સેફ્ટીના નિયમોનો સખત રીતે અમલ થાય અને અમલ ફક્ત કાગળ પર ના રહે, અને રાજકોટ માં જે દુર્ઘટના બની તેવી દુર્ઘટના બીજી કોઈપણ જગ્યા એ ન બને અને કોઈપણ વ્યક્તિએ પોતાના સ્વજનને ના ગુમાવવા પડે તે માટે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને કહેવાનું કે ,જે પણ બીયુસી કે ફાયર સેફ્ટી બાબતોનાં નિયમો છે તેનો સખત રીતે અમલ થાય અને કોઈપણ પ્રકારની ભેદભાવ ની નીતિ વગર થાય.