સુરત:શનિવાર: સુરતના સરસાણા ખાતેના ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં સુરત જ્વેલરી મેનુફેકચરર્સ એસોસિયેશન” (SJMA) દ્વારા આયોજિત ચાર દિવસીય રૂટઝ બીટુબી ડાયમંડ અને જ્વેલરી પ્રદર્શનમાં વિવિધ પ્રકારના જેમ્સ અને જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત સંસદભવન અને અશોક સ્તંભની ડિઝાઈનથી સુશોભિત ૯.૫૦ કેરેટ અને ૧૨૦૦ રિઅલ ડાયમંડ જડિત ‘આર્યાવર્ત ડાયમંડ બ્રોચે મુલાકાતીઓમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું.
આ મૂલ્યવાન આર્યાવર્ત ડાયમંડને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં અપાશે. જેમ્સ એન્ડ જ્વેલેરી ક્ષેત્રની ‘ઓસમ સ્પાર્કલર્સ’ કંપનીના ડિઝાઈનર અને મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ બ્રિજલાલ ભાટિયા આકર્ષક ‘આર્યાવર્ત ડાયમંડ’ના ઘડવૈયા છે.
તેમણે જણાવ્યું હતું કે, જ્વેલરીને ડાયમંડથી મઢીને મનમોહક બનાવવામાં આવે છે, પરંતુ જ્યારે એમાં દેશની સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહર કે રાષ્ટ્રભક્તિનું કોઈ સ્વરૂપ જોડવામાં આવે ત્યારે એ વસ્તુનું મૂલ્ય અને મહત્વ અનેકગણું વધી જતું હોય છે. આર્યાવર્ત ડાયમંડ મારા જીવનની સૌથી સુંદર અને ગર્વની અનુભૂતિ આપનાર ડિઝાઈન છે. કારણ કે તેમાં લીલા રંગના મુખ્ય કુદરતી ડાયમંડ જડેલા છે, ઉપરાંત ભારતના બંધારણીય મૂલ્યોને દર્શાવે છે. વધુમાં તેમણે શૌર્ય અને સન્માનના પ્રતિક તરીકે આ બ્રોચને દેશના વડાપ્રધાનપદે આરૂઢ થનારા આગામી તમામ વડાપ્રધાનશ્રીઓ તેમની શપથવિધિમાં ધારણ કરે એવી મહેચ્છા દર્શાવી હતી.