
સુરત: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા દેશના ૧૫૦ જિલ્લાઓમાં યુવા ઉત્સવ-૨૦૨૩ના આયોજનના ભાગરૂપે સુરત-તાપી જિલ્લાનો ‘જિલ્લા યુવા ઉત્સવ’ સંયુક્ત કાર્યક્રમ વ્યારા તાલુકાના ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ, ઇન્દુ, વ્યારા, તાપી ખાતે નેહરૂ યુવા કેન્દ્ર,સુરત-તાપી દ્વારા સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતીમાં યોજાયો હતો.
અધ્યક્ષસ્થાનેથી સાંસદ પ્રભુભાઇ વસાવાએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, યુવા ઉત્સવ સહિત અનેક સ્પર્ધાઓના માધ્યમ થકી યુવાનોમા રહેલી સુષુપ્ત પ્રતિભાઓ બહાર લાવવાનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરાયું છે. તેમણે તમામ સ્પર્ધકોને આવી સ્પર્ધાઓમાં જીતવા કરતા વધારે મહત્વનું ભાગ લેવું છે એમ સમજ આપી હતી.
ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક ઉદદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભારત દેશમાં સૌથી વધુ યુવાઓ છે. યુવાઓ ખરેખર નસીબદાર છે કે જેઓને વર્તમાન સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની સુવિધાઓ-વ્યવસ્થાઓ મળી છે. જેના થકી યુવાઓ પોતાનું અને પોતાના સમાજ સહિત દેશનું ભાવી ઉજ્જવળ બનાવી શકે છે .
નેહરૂ યુવા કેન્દ્ર,સુરતના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, ઉપસ્થિત યુવાનોને પાંચ પ્રણનું મહત્વ સમજાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૫ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉદ્દબોધનમાં ‘પાંચ પ્રણ′ –(વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામી અથવા સંસ્થાનવાદી માનસિકતાના કોઇપણ નિશાનને દૂર કરવા, આપણા વારસા ગર્વ, એકતા અને અખંડિતતા અને નાગરિકોમાં ફરજની ભાવના) દ્વારા દેશની ઉન્નતિમાં સહભાગી બનવા આહ્વાન કર્યું છે એમ જણાવી યુવાનોને દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા શ્રી શર્માએ અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ‘યુવા શક્તિ સે જનભાગીદારી’ નો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે વડાપ્રધાનશ્રીના ‘પાંચ પ્રણ’ ની થીમ પર નેહરૂ યુવા કેન્દ્ર,સુરત(તાપી) ના નેતૃત્વમાં આયોજિત યુવા ઉત્સવમાં યુવાનો પોતાની સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકે એવા આશયથી કાવ્યલેખન, ચિત્રકામ, વકતૃત્વ, ફોટોગ્રાફી તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) જેવી અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓ નિહાળી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. અંતે ઉપસ્થિત સૌએ ‘પાંચ પ્રણ’ ની થીમ પર દેશના વિકાસમા સહભાગી થવા પ્રતિજ્ઞા લીધી હતી.