લખનૌ, વારાણસીની સીધી ફ્લાઈટ માટે એરપોર્ટ ડાયરેક્ટર અને એરલાઇન્સ કંપનીઓના મેનેજરોને આવેદનપત્ર આપવામાં આવ્યું
બુધવારે ઉત્તર ભારતીય સભાના સુરત શહેર પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને કાર્યકારી પ્રમુખ શાન ખાનની આગેવાનીમાં સુરતથી લખનૌ, વારાણસીની સીધી ફ્લાઈટ શરૂ કરવાની માંગણી સાથે સુરત એરપોર્ટ ડાયરેક્ટર અને એરલાઇન્સ કંપનીઓના સ્ટેશન મેનેજરોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યામાં હતું કે ઉત્તર પ્રદેશના લાખો લોકો સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસવાટ કરે છે જેઓ હવાઈ અવરજવર માટે સુરત એરપોર્ટનો ઉપયોગ કરે છે. દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પ્રદેશના લોકોની વસ્તી લાખોમાં હોવા છતાં સુરત એરપોર્ટથી લખનૌ અને વારાણસીની એક પણ સીધી ફ્લાઈટ નથી, જેથી કારણે ઉત્તર પ્રદેશના મુસાફરોને વાયા ફ્લાઈટ મારફતે મુસાફરી કરવા માટે મજબૂર છે, જેના કારણે તેઓને અનેક પ્રકારની અસુવિધાઓનો સામનો કરવો પડે છે.
ઇમરજન્સીની સ્થિતિમાં પણ મુસાફરોને સુરતથી લખનૌ અને વારાણસી પહોંચવામાં 5 કલાકથી 15 કલાકનો સમય લાગે છે. તે સાથે વાયા ફ્લાઇટ્સનું ભાડું પણ ખૂબ મોંઘું પડે છે. સુરતમાં કાપડ, હીરા અને અન્ય ઉદ્યોગો હોવાના કારણે દરરોજ હજારો વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉત્તર પ્રદેશથી સુરત આવે છે. આ ઉપરાંત વારાણસી, અયોધ્યામાં ધાર્મિક સ્થળો છે જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અવરજવર કરે છે.
સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સુરતથી લખનૌ અને વારાણસીની સીધી ફ્લાઈટની સખત જરૂર છે. માટે અમે સુરતથી લખનૌ અને વારાણસીની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની માંગ કરીએ છીએ. આ પ્રસંગે ઉત્તર ભારતીય સભાના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, કાર્યકારી પ્રમુખ શાન ખાન, અગ્રણી અવધેશ મૌર્યા, વિમલ પાંડે, સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.