આન બાન શાન સાથે વેસુના રાજમાર્ગ પર નીકળી, દીક્ષાર્થી દેવેશની ભવ્યાતિભવ્ય વરસીદાનયાત્રા
હજારોની સંખ્યામાં લોકો હ્રદયસંગીતજ્ઞ દીક્ષાર્થીને જોવા ઉમટી પડ્યા
સુરત : ૨૫ વર્ષના સંગીતકાર દેવેશ રાતડીયાની દીક્ષા હાલ સુરત જૈન સમુદાયમાં ચર્ચાનો વિષય છે. અધ્યાત્મ સમ્રાટ પ.પૂ. યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની અધ્યાત્મવાણીથી વૈરાગી બનેલા ૩૫- ૩૫ દીક્ષાર્થીઓ અમદાવાદમાં આગામી તા. ૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન સામૂહિક દીક્ષા ગ્રહણ કરશે. પણ એ અગાઉ સુરતમાં દેવેશની દીક્ષાના પ્રસંગોની જે રીતે ઉજવણી થઈ રહી છે એ જોઈને અમદાવાદના કેવો માહોલ હશે એ કલ્પનાથી હર કોઈ રોમાંચિત છે. દેવેશ યોગ સરગમ અંતર્ગત સુરતમાં આજે રવિવારે દીક્ષાર્થી દેવેશની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી.
શનિવારે સાંજે દેવેશકુમાર દ્વારા દિલ ડોલાવનારી સંયમની સૂર સ્પર્શના બાદ રવિવારે સવારે વૈભવી વર્ષીદાન યાત્રાનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. જિનશાસનના જયકાર અને ફૂલોની વર્ષા સાથે તેમના નિવાસસ્થાન સંપ્રતિ પેલેસથી વરઘોડાએ પ્રસ્થાન કર્યું હતું. અનેક આકર્ષણો સાથે નીકળેલા વરઘોડામાં સૌથી આગળ નગારાનો દૂદુંભી નાદ દીક્ષાના નાદને ગગનમાં ગજવી રહ્યો હતો, ને પાછળ સમવસરણની શોભા દીક્ષાની સુવાસ ફેલાવી રહી હતી. ઊંટગાડી, બળદગાડી અને ઘોડેસવારી સાથે વરઘોડો શાનથી આગળ વધી રહ્યો હતો. ઘોડા પર બાળકોની સવારી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બેન્ડ વાજા અને વિશાળ સંગીત મંડળી તેમજ નાસિક ઢોલ અને ઘંટારવથી વરઘોડાનો માર્ગ ગુંજી રહ્યો હતો.
બાળ મનોરંજનના કરતબ પણ માર્ગમાં બાળકોને ખુશ કરી રહ્યા હતાં. શણગારેલા વિવિધ ટેબ્લોમાં દીક્ષાર્થીના પરિજનો હૈયાના ઉછળતા ભાવ સાથે વર્ષીદાન કરી રહ્યા હતા. અને હવે ભારે શાહી ઠાઠ સાથે ગજરાજ પર સવાર થઈને દીક્ષાર્થી દેવેશ કુમાર આવી રહ્યા છે. હાથીની બંને તરફ ભાલાથી સજ્જ સિપાહીઓ ચાલી રહ્યા છે. હરિત વસ્ત્રોમાં સજ્જ દેવેશ કુમાર હાથીની અંબાડી પરથી ત્યાગની ઉચ્ચ ભાવના સાથે વર્ષીદાન કરી રહ્યા હતા. વરઘોડામાં બે ગુરૂરથ હતા. યાત્રાના અંતમાં ગુરુ ભગવંત અને પ્રભુવીરનો રથ હતો જેને હાથી ખેંચી રહ્યો હતો.
વરઘોડો સંપ્રતિ પેલેસથી કલ્યાણ મંદિર, VIP ચાર રસ્તા, રિવોલી, શ્રી રામવિહાર, શ્રી મહાવિદેહ ધામ, જશ બિલ્ડિંગ, જોલી રેસીડેન્સી થઈને બપોરે વિજયા લક્ષ્મી હોલ પહોંચ્યો હતો. વરઘોડામાં અન્ય નવ મુમુક્ષુઓ સહિત હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા તો હજારો લોકોએ વરઘોડાના દર્શન કર્યા હતા. વરઘોડા બાદ ૨૦૦૦ થી વધુ ભાવિકોને બેસાડીને સાધર્મિક ભક્તિ કરાવાઈ હતી. બદામ કતરીમાં સોનાની વરખ સાથે ભોજન પીરસીને રાતડીયા પરિવારે ઉત્કૃષ્ટ સાધર્મિક ભક્તિ દર્શાવી હતી.
ભવ્યાતિભવ્ય વર્ષીદાન યાત્રા બાદ સાંજે વાંદોલી અને રાત્રે ૮ વાગ્યે સંયમ શબ્દ સ્પર્શના નામથી દીક્ષાર્થીનો અદભુત વિદાય સમારોહ યોજાયો હતો. દીક્ષાર્થીએ પોતે જ પોતાની સ્વર થી ઈશ્વર સુધીની દાસ્તાન વન ટુ વન શૈલીમાં રસપ્રદ રીતે રજૂ કરી હતી. એક દિવસ અગાઉ ગીત – સંગીત અને સૂરથી દિલ જીત્યા બાદ આજે દેવેશે શબ્દોથી સૌના દિલ જીતી લીધા હતા. આજના સમારોહમાં જાણીતા સંગીતકાર પાર્થ દોશી અને હિમાંશુ ભાઇએ સંગીતના સુર રેલાવ્યા હતા.
અલગ અલગ વક્તાઓ એ તથા પરિવારના તમામ સભ્યોએ દેવેશ ની જ વાતો..સંસ્મરણો..વૈરાગ્યની વાતો વાગોળી..છેલ્લે દેવેશકુમારે ૪૦ મિનીટ પોતાની ઘરથી ગુરુ યોગ સુધીની કથા અતિ ભાવવાહી અને જાણે વાત કરતા હોય તેવી રીતે અભિવ્યક્ત કરી. સીએ રવિન્દ્ર શાહ, હિતસાર અને નયસારે આ અનોખા અંદાજ માં શબ્દ સ્પર્શના સંકલન કરી હતી..