સુરત

નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ

આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને સાંસદ સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ (પી.એલ.આઈ.) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૫૧ કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે. રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના શુભારંભ પ્રસંગે સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે, ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે.

સુમુલમાં રોજ ૨૭ લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે, એટલું જ નહીં, રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button