અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે પુનઃમિલન કરાવ્યું
પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ થઈ હતી

સુરત: માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે. બે દિવસ પહેલા જ ઉનાળાના વેકેશનમાં ફરવા માટે માતા સાથે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી સુરત આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષીય બાળકી રિયા ઘર પાસેથી રમતા-રમતા ગુમ થઇ હતી. ત્યારે ગણતરીની મિનિટોમાં એક જાગૃત્ત રાહદારીની મદદથી અડાજણ પોલીસે સહીસલામત શોધી કાઢી હતી.
વાત એમ છે કે અડાજણ વિસ્તારના ભંડારી ચાલમાં તા.૨૦મીએ રવિવારે બપોરના સમયે એક વાગ્યાના અરસામાં રિયા રમતા-રમતા ઘરથી દૂર ચાલી ગઈ હતી, ત્યારે એક રાહદારીના ધ્યાને આવતા બાળકીને લઈને ડી.સી.પી કચેરી અડાજણ ઝોન-પમાં આવ્યા હતા.
બાળકીના માતાપિતાને શોધવા માટે ઝોન-પના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ અને મદદનીશ પોલીસ કમિશનર ડી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઈન્સ્પેક્ટર પી.જે. સોલંકી દ્વારા પોલીસની શી ટીમ અને ત્રણ સર્વેલન્સ ટીમો તપાસના કામે લાગી હતી. ૩૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા.
મોબાઈલમાં ફોટો સાથે રાખી માતા-પિતાની અલગ-અલગ વિસ્તારમાં ચાર ટીમોએ તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સ અને ભાષાના આધારે ગણતરીની મિનિટોમાં જ બાળકીના માતા-પિતાને શોધી કાઢ્યા હતા. નવાઈની વાત એ હતી કે પોલીસ માતાપિતા સુધી પહોંચી ત્યાં સુધી માતાપિતાને બાળકી ગુમ થઇ છે એવો ખ્યાલ પણ ન હતો.
કોઈ બાળક ગુમ થઈ જાય છે ત્યારે દરેક મિનિટ કિંમતી હોય છે: અડાજણ પીઆઈ. પી.જે.સોલંકી
અડાજણ પીઆઈ પી.જે.સોલંકી એ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બાળક ગુમ થઈ જાય, ત્યારે દરેક મિનિટ કિંમતભરી હોય છે. જ્યારે એક બાળક માતા-પિતાથી વિખૂટું પડ્યું હોય છે. સામાન્ય રીતે ગુમ થવાના કિસ્સામાં મિસિંગની ફરિયાદ માટે પરિવારજનો પોલીસ પાસે જાય છે. પણ બાળક પાસેથી માતા-પિતાની વિગતો મેળવીને પરિવારજનોને શોધવાના હતા.
અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ પરમારે કહ્યું હતું કે, બાળકીની ઉંમર નાની હોવાથી શી ટીમ અડાજણ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પી.આઈ પી.જે. સોલંકીએ બાળકીને સહજભાવે વાત કરી, ચોકલેટ, બિસ્કીટ, દૂધ આપી આત્મીયતા કેળવી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા બાળકીનું વેરિફિકેશન બાદ માતા-પિતાને સહી સલામત સુપરત કરી હતી.