
સુરત. વિશ્વ સ્તરે અનેક કીર્તિમાન સ્થાપનાર સુરત શહેરના નામે 26મી ફેબ્રુઆરીના રોજ વધુ એક વિશ્વ કીર્તિમાન સ્થાપિત થવા જઈ રહ્યો છે. આનું શ્રેય જાય છે અર્ચના વિદ્યાનિકેતન, ડૉ શ્રીનિવાસ મિટકુલ , રિતુ રાઠી એક સોચ એનજીઓ, ગોયલ એન્ટરપ્રાઈઝ, રત્ન સાગર વિદ્યાલય અને મંગલમ્ વિદ્યાલયને , ઉમિયાધામ ટ્રસ્ટ , પોપટભાઈ ચેરિટેબલ ફૉઉન્ડેશન આ તમામ સંસ્થાઓ દ્વારા “હર દિલ તિરંગા” શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમમાં એક સાથે એક જ સ્થળે 11,111 લોકો તિરંગાનું ટેગ લગાવી પ્રતિજ્ઞા લેશે જે એક વિશ્વ કીર્તિમાન બનશે. આ વિશ્વ રેકોર્ડ ને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળશે.
આ અંગે માહિતી આપતા આયોજકો દ્વારા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન 26મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે વરાછા ઉમિયાધામ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ પહેલા અર્ચના વિદ્યાનિકેતન સહિત સહભાગી સંસ્થાઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. એક લાખથી વધુ લોકો સુધી સ્વયમ્ સેવકો પહોંચ્યા હતા અને તિરંગા વિશે જાગૃતિ ફેલાવી હતી. આ પણ એક વિશ્વ રેકોર્ડ બન્યો છે.
હવે 26મી ફેબ્રુઆરીના રોજ ઉમિયાધામ મંદિર ખાતે એક સાથે 11,111 લોકોને તિરંગા ટેગ અર્પણ કરવામાં આવશે અને આ તમામ લોકો ટેગ લગાવી તિરંગા ને હંમેશા હ્રદય સાથે લગાવી રાખવાની પ્રતિજ્ઞા લેશે. આ રીતે એક સાથે આટલી સંખ્યામાં તિરંગા ના ટેગ સાથે પ્રતિજ્ઞા લેવાની વિશ્વની આ પહેલી ઘટના હશે જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવશે.
આ અવસરે સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્શભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા, મેયર હેમાલીબેન બોઘવાલા સહિત ધારાસભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.