બિઝનેસસુરત

‘કંપની ફોર્મેશન ઇન દુબઇ’વિષે સેમિનાર યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૪ ઓકટોબર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કંપની ફોર્મેશન ઇન દુબઇ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જશુક શાહે દુબઇમાં કંપની ફોર્મેશન વિષે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

વકતા સીએ જશુક શાહે જણાવ્યું હતું કે, સુરતની ડાયમંડ કંપનીઓ રફ મંગાવીને પોલીશ્ડ ડાયમંડ વિશ્વમાં એકસપોર્ટ કરે છે ત્યારે દુબઇથી વૈશ્વિક કક્ષાએ અન્ય દેશોમાં એકસપોર્ટ કરવા સરળતા રહે છે. ડાયમંડ બાદ હવે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને બિઝનેસ માટે દુબઇમાં ઘણી તકો ઉભી થઇ છે. દુબઇમાં, દુબઇ ફેશન અને દુબઇ ટેકસટાઇલ વિલેજ બન્યું છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટેકસમાસ સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા છે.

દુબઇમાં ટેકસટાઇલ, ડાયમંડ વિગેરે બિઝનેસ શરૂ કરવામાં આવે તો ત્યાંથી પ્રોડકટ વિશ્વભરમાં કોઇપણ સ્થળે સરળતાથી એકસપોર્ટ કરી શકાય છે. દુબઇથી એકસપોર્ટ કરવા માટે પોર્ટની સુવિધા ઘણી સારી છે. ત્યાંથી એશિયન માર્કેટમાં સીધું નિર્યાત કરી શકાય છે. આફ્રિકન માર્કેટમાં પણ એકસપોર્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. વિશ્વના જુદા–જુદા માર્કેટોમાં થતા બદલાવ વિષે દુબઇથી જાણી શકાય છે. આ ઉપરાંત દુબઇના માર્કેટમાં સીધી પ્રોડકટ વેચવામાં આવે તો નફો વધારે થાય છે. બિઝનેસ કરવા માટે ઓછા વ્યાજદરે રૂપિયા મળી જાય છે. ખાસ કરીને દુબઇમાં વેપારીઓની કોન્ટેકટ સિક્રેસી જળવાઇ રહે તે માટે પણ ત્યાં કંપનીઓ શરૂ કરવામાં આવે છે અને આ એક પ્રકારે સારી બાબત પણ કહી શકાય તેમ છે.

દુબઇ ટ્રેડીંગ હબ છે. દુબઇમાં બિઝનેસ કરવા તેમજ કંપનીઓ શરૂ કરવા માટે જુદા–જુદા લાયસન્સ લેવા પડે છે. ટેકસટાઇલ, ડાયમંડ તથા અન્ય સેકટરની સર્વિસિસ માટે પણ લાયસન્સ લેવા પડે છે. ઉદ્યોગકારોને જે માલ, જે પ્રોડકટ ત્યાં વેચવી હોય તે વેચી શકાય છે. છ પ્રોડકટના ટ્રેડીંગ માટે લાયસન્સ લેવાની જરૂર પડે છે. સાતમા પ્રોડકટની ટ્રેડીંગ કરવી હોય ત્યારે અમુક ફી ચૂકવીને ટ્રેડીંગ કરી શકાય છે. ગોલ્ડન વીઝા લઇને દુબઇમાં બિઝનેસ કરી શકાય છે.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. કન્વીનર તથા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અજોય ભટ્ટાચાર્યએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે વકતાનો પરિચય આપ્યો હતો. સીએ તુહીન ભટ્ટાચાર્યએ સેમિનારમાં સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button