બિઝનેસસુરત

બાંગ્લાદેશમાં ‘ઇન્ડિયન ટેક્સટાઇલ ટ્રેડ ફેર’ યોજાશે, દક્ષિણ ગુજરાતના 110 જેટલા ટેક્સટાઈલ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે

સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને સીધું પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ઢાકા ખાતે ચાર દિવસ માટે ભવ્ય પ્રદર્શન યોજાશે, જેમાં ર૦ હજારથી વધુ જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત આગામી તા. ૧૧ થી ૧૪ જાન્યુઆરી, ર૦ર૩ દરમિયાન ઇન્ટરનેશનલ કન્વેન્શન સિટી, વસુંધરા, ઢાકા, બાંગ્લાદેશ ખાતે પ્રથમ વખત ‘ઇન્ડિયન ટેકસટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે.

બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગની સંપૂર્ણ શ્રેણી માટે પ્રદર્શનનું આયોજન

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સામાન્યપણે ચેમ્બર દ્વારા સુરતના આંગણે જ બધા પ્રદર્શનો યોજાતા હતા, પરંતુ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ગત વર્ષે પ્રથમ વખત દુબઇ અને યુએસએ ખાતે એકઝીબીશનો યોજાયા હતા. જેમાં સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોનો દુબઇ તથા યુએસએના વેપારીઓ સાથે સીધો સંપર્ક થયો હતો. આથી ચેમ્બર દ્વારા આ વર્ષે બાંગ્લાદેશ ખાતે પણ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની સમગ્ર ચેઇન માટે એકઝીબીશનનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

વિશ્વમાં સૌથી વધુ ગ્રીન ગારમેન્ટ ફેકટરીઓ બાંગ્લાદેશ ખાતે આવેલી છે

બાંગ્લાદેશમાં રેડીમેડ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનો જબરજસ્ત વિકાસ થયો છે. વિશ્વમાં સૌથી વધુ ગ્રીન ગારમેન્ટ ફેકટરીઓ બાંગ્લાદેશ ખાતે આવેલી છે. બાંગ્લાદેશ એ ગારમેન્ટ બનાવવા અને સોર્સિંગ માટેનું વૈશ્વિક હબ છે. બાંગ્લાદેશમાં આરએમજી ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબલ કાપડના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. સાથે જ એ મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ અને સમૃદ્ધ ઇકો સિસ્ટમ માટે પણ જાણીતું છે.

આ ઉપરાંત બાંગ્લાદેશમાં ચાર હજારથી વધુ ફેકટરીઓ આવેલી છે. જ્યાંથી સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, સલવાર સ્યુટસ, બ્રાઈડલ વેર, ડિઝાઈનર વસ્ત્રો, ગાઉન્સ અને કુર્તીઓ, ઈન્ડો વેસ્ટર્ન વેર અને શર્ટસ, ટ્રાઉઝર, ટી શર્ટ, ડેનિમ, જેકેટ્‌સ જેવા કેઝ્‌યુઅલ વસ્ત્રો તથા નીટવેર અને સ્વેટર જેવા વણાયેલા વસ્ત્રોનું એકસપોર્ટ થાય છે.

દક્ષિણ ગુજરાતના 110 જેટલા કાપડ ઉદ્યોગકારો ભાગ લેશે

સુરતમાં બનતા યાર્ન, ફેબ્રિકસ, ગારમેન્ટ અને એસેસરીઝ માટે બાંગ્લાદેશમાં ખૂબ જ વિશાળ માર્કેટ છે. જ્યાં સુરતના વેપારીઓ સરળતાથી પોતાની પ્રોડકટનું વેચાણ કરી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તા. ૧૧ થી ૧૪ જાન્યુઆરી, ર૦ર૩ દરમિયાન ચાર દિવસ માટે બાંગ્લાદેશના ઢાકા ખાતે પ્રથમ વખત ‘ઇન્ડિયન ટેકસટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ૧૧૦ જેટલા ટેકસટાઇલ ઉદ્યોગકારો ભાગ લેશે અને પોતાની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

દક્ષિણના ટેક્સટાઈલ ઉદ્યોગ સાહસિકો વસ્તુઓનું પ્રદર્શન કરશે

આ એકઝીબીશનમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા યાર્ન, સિન્થેટિક યાર્ન, મેન મેઇડ યાર્ન, મેન મેઇડ ફેબ્રિકસ, સિન્થેટિક ફેબ્રિકસ, નેચરલ એન્ડ બ્લેન્ડેડ ફાઇબર્સ, ફાઇન યાર્ન ડાયડ શર્ટીંગ, વુલ, પોલિએસ્ટર–વુલ અને પોલિએસ્ટર વિસ્કોસ સ્યુઇટીંગ, પ્યોર એન્ડ બ્લેન્ડેડ લિનન, ફાઇન હાય એન્ડ સિલ્કસ, ફેશન ડ્રેસ મટિરિયલ્સ, ડેનિમ, કોટન ટવીલ્સ એન્ડ ડ્રીલ્સ, ગારમેન્ટ્‌સ, એથનિક એન્ડ સ્પોર્ટસ વેર, નેરો ફેબ્રિકસ, એસેસરીઝ વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

20 હજારથી વધુ જેન્યુઈન ખરીદદારો આવશે

‘ઇન્ડિયન ટેકસટાઇલ ટ્રેડ ફેર’માં ગારમેન્ટ એકસપોર્ટર્સ એન્ડ મેન્યુફેકચરર્સ, ઇમ્પોર્ટર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, હોલસેલર્સ, ફેશન ડિઝાઇનર્સ, વેપારીઓ, ડિઝાઇન સ્ટુડીયો એન્ડ ઇન્સ્ટીટયુટના સંચાલકો એકઝીબીશનની મુલાકાત લેશે. આ ઉપરાંત બાંગ્લાદેશ ટેકસટાઇલ મીલ્સ એસોસીએશન (BTMA), બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશન (BGMEA) અને બાંગ્લાદેશ નીટવેર મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશન (BKMEA) ના સભ્યો મળી કુલ ર૦ હજારથી વધુ જેન્યુન બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button