નોન જીઆઇડીસી વિસ્તારમાં ઔદ્યોગિક હેતુની જમીન ઉપર ૧.૬ એફએસઆઇ આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરાઇ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નોન જીઆઇડીસી વિસ્તારમાં ઔદ્યોગિક હેતુની જમીન ઉપર ૧.૬ એફએસઆઇ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, જીડીસીઆરમાં કરવામાં આવેલા છેલ્લાં સુધારા મુજબ જીઆઇડીસી વિસ્તારમાં ઔદ્યોગિક હેતુ માટેની જમીન ઉપર એફએસઆઇ ૧.૬ કરવામાં આવ્યો છે. જ્યારે રહેણાંક વિસ્તારના હેતુ માટે લીધેલી જમીન ઉપર એફએસઆઇ ૧.૮ ઉપરાંત ૦.૯ પેઈડ એફએસઆઇ મળવાપાત્ર થાય છે. આ બદલાવને કારણે ઔદ્યોગિક હેતુ માટે વપરાતી જમીનની જરૂરિયાત વધી ગઇ છે અને પડતર ખર્ચ વધી ગયો છે. જેનું નુકસાન ઉદ્યોગોને થઇ રહયું છે.
ગુજરાત સરકાર દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક હેતુની જમીન ઉપર એફએસઆઇ ૧.૬ કરવામાં આવ્યો છે ત્યારે નોન જીઆઇડીસી વિસ્તારમાં પણ ઔદ્યોગિક હેતુ માટેની જમીન ઉપર એફએસઆઇ ૧.૬ કરવામાં આવે તે અંગેની રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરવામાં આવી છે. સરકાર દ્વારા આવું કરાશે તો તેને કારણે નોન જીઆઇડીસી વિસ્તારમાં નવા ઔદ્યોગિક એકમો સ્થપાશે. સાથે જ નવી રોજગારીનું પણ નિર્માણ થશે. જેને પગલે ગુજરાતની અર્થ વ્યવસ્થામાં વધુ સુધારો આવશે અને રાજ્યનો વધુ વિકાસ થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીની સાથે ગુજરાતના ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) તથા જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર એમ. થેન્નારાસનને પણ આ મામલે લેખિતમાં રજૂઆત પાઠવવામાં આવી છે.