ચેમ્બરની સુરત સ્ટાર્ટઅપ સમિટમાં ‘Why Surat as a City? where innovation meets opportunity!’ વિષય પર પેનલ ડિસ્કશન યોજાઇ
સુરતના સ્ટાર્ટઅપે મોટા લક્ષ્યાંક રાખી દેશના જ નહીં પણ વિશ્વના રોકાણકારોને તેમના આઇડીયાઝમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવા જોઇએ : નિષ્ણાંતો

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૧ એપ્રિલ, ર૦રપના રોજ સાંજે ૪:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘Why Surat as a City? where innovation meets opportunity!’ વિષય પર પેનલ ડિસ્કશન યોજાઇ હતી, જેમાં બ્રહમવેદા વેન્ચર્સ પ્રા.લિ.ના કો–ફાઉન્ડર વિપુલ કપુર, નરોલા ઇન્ફોટેક સોલ્યુશન્સ એલએલપીના કો–ફાઉન્ડર એન્ડ સીઇઓ આશીષ નરોલા અને રીફ્રેન્સના ફાઉન્ડર સીઇઓ નમન સરાવગીએ પેનલિસ્ટ તરીકે સુરતના ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સુપરવર્કસ્ના સીઇઓ શ્રી અલ્પેશ વઘાસિયાએ પેનલ ડિસ્કશનમાં મોડરેટર તરીકેની ભૂમિકા ભજવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ આ માત્ર એક કાર્યક્રમ નથી, આ એક ઈનોવેશનની દિશામાં સફળ થવાની યાત્રા છે. આ શરૂઆત નવી વિચારધારાને યોગ્ય દિશા આપવાની, નવા ઉદ્યોગોના બીજ રોપવાની અને એક આધુનિક ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટેની છે.
આજનો યુવાન માત્ર નોકરી શોધતો નથી પણ તે નવી નોકરીઓ સર્જે છે. તે સમસ્યાઓમાં તક શોધે છે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીવન સરળ બનાવે છે. આપણું સુરત શહેર પહેલાથી જ ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર રહ્યું છે અને આજે, સ્ટાર્ટઅપ દ્વારા આપણે તેનો પરિઘ અને પ્રભાવ વધારવા જઈ રહ્યા છીએ.
બ્રહમવેદા વેન્ચર્સ પ્રા.લિ.ના કો–ફાઉન્ડર શ્રી વિપુલ કપુરે જણાવ્યું હતું કે, સુરતના કલ્ચરમાં પહેલાંથી જ ઉદ્યોગ સાહસિકતા છે. લેસ નોઇસ, લો કોસ્ટ રિસોર્સિસ અને લોયલ ટીમ મેમ્બર સુરતમાં મળી જાય છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં ઇકો સિસ્ટમ જબરજસ્ત ડેવલપ થઇ છે. દસ – પંદર વર્ષ પહેલા સુરતમાં સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓને બધી જ બાબતોનું નોલેજ નહોતું પણ અત્યારના સ્ટાર્ટઅપ બધી જ બાબતોથી વાકેફ હોય છે, આથી તેઓ વધારે સારી રીતે સફળ થાય છે.
રીફ્રેન્સના ફાઉન્ડર સીઇઓ નમન સરાવગીએ જણાવ્યું હતું કે, સુરતમાં ટેકસેવી કંપનીઓનું કલ્ચર છે. એમાંથી મોટા ભાગની સર્વિસ બેઇઝ કંપનીઓ છે, જે હવે ધીમે ધીમે પ્રોડકટ બેઇઝ બનતી જઇ રહી છે. બેંગ્લોરની તુલનામાં સુરતમાં હવે કોઇ બાબત મિસીંગ નથી કે જેથી કરીને સુરતથી સ્ટાર્ટઅપ નહીં કરી શકાય. સુરતમાં પણ હવે ઘણા સ્ટાર્ટઅપ થઇ રહયા છે અને એના માટે હવે કોઇ મર્યાદા સુરત માટે નથી.
સુરતના સ્ટાર્ટઅપે મોટા લક્ષ્યાંક રાખવા જોઇએ અને દેશના જ નહીં પણ વિશ્વના રોકાણકારોને તેમના આઇડીયાઝમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવા જોઇએ એવી સલાહ તેમણે ઉદ્યોગ સાહસિકોને આપી હતી.
નરોલા ઇન્ફોટેક સોલ્યુશન્સ એલએલપીના કો–ફાઉન્ડર એન્ડ સીઇઓ શ્રી આશીષ નરોલાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા માટે સતત શીખતા રહેવું પડે છે. એક વખત સ્ટાર્ટઅપ સફળતાની દિશામાં આગળ વધી જાય એનો મતલબ આપણે ત્યાં અટકી જવાનું હોતું નથી. કારણ કે, તમે જ્યાં છો એ પોઝીશનને જાળવી રાખવા માટે પણ સતત શીખતા રહેવું પડે છે. તેમણે સુરત, ગુજરાત અને ભારતની બહાર નીકળીને પણ વિશ્વને જોવાની અને તેને સમજવાની સલાહ ઉદ્યોગ સાહસિકો અને યુવાઓને આપી હતી.
ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, ઉદ્યોગ સાહસિકો, પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પેનલ ડિસ્કશનમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન કમિટીના કો–ચેરમેન શ્રી પુનિત ગજેરાએ મોડરેટર અને પેનલિસ્ટોના પરિચય આપી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. જ્યારે કમિટીના સભ્ય શ્રી ચિત્રાંગ શાહે પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું. પેનલિસ્ટોએ ઉપસ્થિતોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ પેનલ ડિસ્કશનનું સમાપન થયું હતું.