કાપોદ્રાની સોસાયટીના મકાનમાં બનાવેલા સ્ટોર રૂમમાં આગ ભભૂકી ઉઠી
પુઠ્ઠા અને તમામ પરચુરણ સમાન આગમાં બળીને સ્વાહા થયો: આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું
સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલી દશરથ નગર સોસાયટીના એક મકાનના પાર્કિંગમાં બનાવેલા સ્ટોર રૂમમાં બુધવારે મળસ્કે આગ ભભૂકી ઉઠી હતી.જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તેમાં મુકેલા પુઠ્ઠા સાથેનો તમામ સમાન બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગ્યાની જાણ થતા જ કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ,બુધવારે સવારે 4:35 કલાકે કાપોદ્રા મરઘાં કેન્દ્ર નજીક આવેલી દશરથ સોસાયટીના મકાન નંબર 239 ના સ્ટોર રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી.મકાન માલિક પન્ની ગુપ્તાના બે માળના મકાનમાં નીચેના પ્લોટમાં ભાડુઆત તરીકે અશોક આહીર રહે છે.નીચેના પેસેજમાં સ્ટોર રૂમ બનાવ્યો છે. જેમાં પુઠ્ઠા અને બીજો પરચુરણ સમાન રાખવામાં આવ્યો હતો.
જેમાં અચાનક આગ ભડકી ઉઠી હતી.આગ લગતાની સાથે જ ઘરમાં રહેતા દરેક સભ્યો દોડીને બહાર આવી ગયા હતા. ત્યારબાદ ફાયર કંટ્રોલને જાણ કરાતા કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ ઉપર પહોંચીને આગ ઓલવવાની કવાયતમાં લાગી ગયા હતા. આગ લાગવાને કારણે સ્ટ્રોર રૂમમાં મુકેલા પુઠ્ઠાની સાથેનો તમામ પરચુરણ સમાન સળગીને ખાખ થઈ જવા પામ્યો હતો.
ફાયરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચાલવીને આગ ઓલવી કાઢી હતી.સ્ટોર રૂમમાં ઇલેક્ટ્રિક સપ્લાય નું જોડાણ પણ કરવામાં આવ્યું હતું. ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની થઇ ન હતી. સ્ટોર રૂમમાં ઇલેક્ટ્રિક સપ્લાય નું જોડાણ પણ કરવામાં આવ્યું હતું જોકે તેમાં કોઈ ખામી સર્જાઈ હોવાથી આગ લાગી ગઈ હોવા નું અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે હાલ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હોવાનું ફાયર અધિકરી સુધીર ગઢવીએ જણાવ્યું હતું.