સુરત

રિંગરોડ ટેકસટાઇલ માર્કેટ વિસ્તારમાં મનપાનાં પે એન્ડ પાર્કમાં ચાલી રહી ગેરરીતિયો બંધ કરાવવાની માંગણી કરાઇ

ઉચ્ચ તપાસ કરી ગરીબ ટેમ્પો ચાલકોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી કરાઇ

સુરત શહેર ટેમ્પો માલિક ડ્રાઈવર વેલફેર એસોસિએશન દ્વારા સુરત મનપા કમિશનરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરના રિંગરોડ ખાતે મોટા ભાગે ટેક્સટાઇલ માર્કેટો આવેલ છે જે માર્કેટોમાં ગ્રે કાપડની ડિલિવરી કરવા ટેમ્પો ચાલકો અવરજવર કરે છે. ગ્રે કાપડની ડિલિવરી વિવિધ માર્કેટોની જુદી-જુદી દુકાનોમાં તથા માર્કેટ વિસ્તારના પાર્કિંગઓમાં ઉભી રહેતી મીલની ગાડીઓને આપવાની હોય છે. સુરત મહાનગર પાલિકાની પાર્કિંગઓમાં ખાસ કરીને મિલેનિયમ માર્કેટની પાછળ આવેલ મનપાની ૧૪૬ મલ્ટીલેવલ પે એન્ડ પાર્ક તથા રિંગરોડના મુખ્ય માર્ગ ઉપર આવેલ બાબા સાહેબ આંબેડકર ફલાઈઓવર બ્રિજ નીચેના પે એન્ડ પાર્કમાં મીલની ગાડીઓ ઉભી રહે છે ત્યાં અમારા ટેમ્પો ચાલકો ગ્રે કાપડની ડિલિવરી કરવા જાય છે.

આ દરમ્યાન ટેમ્પોવાળાઓ બ્રિજ નીચેની તેમજ રોડની સાઈડ ઉપરની ઓન સ્ટ્રીટ પાર્કિંગમાં એક ખૂણાથી બીજા ખૂણે તથા મલ્ટીલેવલ પાર્કિંગમાં એક ફ્લોરથી બીજા ફ્લોર પર ડિલિવરી આપવા જાય છે તો તેઓ પાસેથી એક જ પાર્કિંગમાં ઇજારદાર દ્વારા અલગ-અલગ પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે અને આ ચાર્જની કોઈપણ પ્રકારની પાવતી આપવામાં આવતી નથી જે તદ્દન ગેરકાયદે છે અને આના કારણે ગરીબ ટેમ્પો ચાલકોને આર્થિક નુકશાન થઈ રહ્યો છે. આ સાથે રિંગરોડ ફલાઈઓવર બ્રિજ નીચેના પે એન્ડ પાર્કમાં પાર્કિંગના હદને દર્શાવતો કોઈ પટ્ટો મારવામાં આવેલ નથી જેના કારણે પાર્કિંગની હદ કયા સુધી છે તે ખબર પડતી નથી અને પાર્કિંગ ઇજારદારો દ્વારા પાર્કિંગની હદ બહાર ઉભા રહેતા વાહનોનું પણ પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યું છે તેવી સતત ફરિયાદો મળી રહી છે. માટે આ બાબતે ઉચ્ચ તપાસ કરી ગરીબ ટેમ્પો ચાલકોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.

ટેમ્પો એસોસિએશનનાં પ્રમુખ શ્રવણસિંહ ઠાકુર અને કામદાર યુનિયનનાં પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવશે તો નહીં છૂટકે અમારે હડતાળ અને આંદોલનનું માર્ગ અપનાવવાની નોબત આવશે જે માટે સંપૂર્ણ રીતે મનપા તંત્ર જવાબદાર રહેશે.

આ પ્રસંગે સુરત શહેર ટેમ્પો માલિક ડ્રાઈવર વેલફેર એસોસિએશનનાં પ્રમુખ શ્રવણસિંહ ઠાકુર, સુરત જિલ્લા ટેકસટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનનાં પ્રમુખ ઉમાશંકર મિશ્રા, પ્રવક્તા શાન ખાન, ગ્રે ફિનિશ ડિલિવરી કોન્ટ્રાકટર એસોસિયેશનના આગેવાન સરોજ તિવારી, શિવાસિંહ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button