ચેમ્બરના પ્રતિનિધિ મંડળે માંડવીની યાર્ન ઉત્પાદક સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી
દરરોજ ૩ર૦ મેટ્રીક ટન યાર્નનું ઉત્પાદન કરતી કંપનીમાં યાર્ન બનાવવાની સમગ્ર પ્રક્રિયાનું પ્રેકટીકલ નોલેજ ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મેળવ્યું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન સંજીવ ગાંધી અને ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલાના નેજા હેઠળ ચેમ્બર ઓફ કોમર્સના ૩૦ જેટલા સભ્યોના ડેલીગેશને સોમવાર, તા. ર૯ ઓગષ્ટ, ર૦રર ના રોજ માંડવી ખાતે આવેલી સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી.
સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડિરેકટર શંકરલાલ સોમાણીએ ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકાર્યા હતા અને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝની વિઝીટ કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટેના મહત્વના રો મટિરિયલ એવા યાર્નનું ઉત્પાદન કરે છે. તેમની કંપનીમાં જર્મની તથા ચાઇનાની અદ્યતન ટેકનોલોજીવાળી મશીનરીના બે જુદા–જુદા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જ્યાં પીટીએ અને એમઇજીનો ઉપયોગ કરીને યાર્ન બનાવવામાં આવે છે.
વધુમાં તેમણે યાર્ન કેવી રીતે બનાવવામાં આવે છે તેની સમગ્ર પ્રક્રિયાનું પ્રેકટીકલ નોલેજ પ્રેઝન્ટેશન આપીને તથા રૂબરૂ બતાવીને ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આપ્યું હતું. તેમણે કહયું હતું કે, તેમની આ કંપનીમાં દરરોજ ૩ર૦ મેટ્રીક ટન યાર્ન બને છે અને ડોમેસ્ટીક માર્કેટમાં સપ્લાય થાય છે. ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેમના દ્વારા ઉત્પાદિત થતા યાર્નનો ઉપયોગ કરવામાં આવે છે.