સુરતઃ કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા આજે તા.૬ સપ્ટે.ના રોજ સવારે ૧૦.૩૦ વાગે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ સહિત મંત્રીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
વધુમાં વધુ વરસાદી નીરને જમીનમાં ઉતારવા અને ભૂગર્ભજળસ્તરને ઊંચા લાવવાના હેતુ સાથે રાષ્ટ્રીય જળ મિશનના ભાગરૂપે ‘જળસંચય જનભાગીદારી યોજના’ હેઠળ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં જળસંચયના કામોનો પ્રારંભ થશે.
કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા દેશના રાજ્યોમાં જળસંચય, જળસંરક્ષણ સંબંધિત કામગીરી માટે ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ-વ્હેઈન ઈટ ફોલ્સ…’ થીમ સાથે વર્ષ ૨૦૨૧ થી જળશક્તિ અભિયાન હાથ ધરાયુ છે, ખાસ કરીને ૨૦૨૪ ના આ વર્ષમાં ‘નારીશક્તિ સે જલશક્તિ’ થીમ સાથે ગત તા.૯ માર્ચથી ૩૦ નવેમ્બર-૨૦૨૪ સુધી જળશક્તિ અભિયાન યોજાઈ રહ્યું છે.
આ પ્રસંગે નાણા, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ, જળસંપતિ, પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, વન અને પર્યાવરણ, જળસંપતિ, પાણી પૂરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીકુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત અગ્રણીઓ, શહેરીજનો ઉપસ્થિત રહેશે.