ગુજરાતસુરત

સુરત શહેર આન, બાન, શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું

હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા

સુરત: સુરત ખાતે ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું.  યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ-ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘તિરંગા પદયાત્રા’ને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. તિરંગાયાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજસેવક પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો.

ધાર્મિક સામાજિક, વ્યાવસાયિક સમૂહો, સંસ્થાઓ ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા

તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો, રમતવીરો, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંગઠનો, પર્ફોર્મિંગ આર્ટ્સ સંસ્થાઓ, ડાયમંડ અને ટેક્ષટાઈલ એસો., ફોસ્ટા, ક્રેડાઈ, NCC, NSS, નહેરૂ યુવા કેન્દ્ર, ONGC, ક્રિભકો, અદાણી, રિલાયન્સ, AMNS જેવા હજીરાના ઔદ્યોગિક સમૂહો, વિવિધ સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિના ગીતોની સુરાવલિઓસાથે ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા. અન્ય રાજ્યોના સંગઠનો, ખાસ કરીને ઓડિયા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, તેલંગાણા, પંજાબ સહિતના રાજ્યોના નાગરિકો તેમજ તેમના સાંસ્કૃતિક ગૃપો પણ જોડાયા હતા. 

CRPF, RAF, પોલીસ વિભાગ પ્લાટુન, ગુજરાત પોલીસ બેન્ડ, NCC બેન્ડએ અનોખું આકર્ષણ જમાવ્યું

CRPF, RAF-રેપિડ એક્શન ફોર્સ, દાઉદી વ્હોરા સમાજ બેન્ડ, પોલીસ વિભાગ પ્લાટુન, ગુજરાત પોલીસ બેન્ડ, NCC બેન્ડએ દેશભક્તિની મધુર સુરાવલિઓ છેડી હતી. આ વિવિધ બેન્ડના દેશપ્રેમ નીતરતા ગીતોથી લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. 

તિરંગાયાત્રામાં સુરતવાસીઓએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના દર્શન કરાવ્યા

વાય જંકશનથી શરૂ થયેલી તિરંગાયાત્રામાં સ્કેટિંગના રમતવીરો, સાયકલિસ્ટો, પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોક વાઈઝ એસોસિયેશનોના પ્રતિનિધિઓ, કોલેજ-શાળાઓના વિદ્યાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડના કર્મીઓ, પ્રજાપિતા બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, યોગ બોર્ડ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે તિરંગાયાત્રામાં જોડાયા હતા.

આ ઉપરાંત, ભારત ભારતી સંસ્થા હેઠળ સમગ્ર ભારતના ૧૫ રાજ્યો જેવા કે, તામિલનાડુ, ઓડિશા, પ.બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના સુરત વસતા નાગરિકોએ પોતાની ભાતીગળ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને તિરંગાયાત્રામાં જોડાઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ઉક્તિને સાર્થક કરી હતી. તિરંગા યાત્રાના રૂટ પરના વિવિધ સ્ટેજ પર ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ ગરબા રાસ, સાઈનાથ ગ્રુપના લેઝિમ ડાન્સ, વિવિધ રાજ્યોની નૃત્ય ઝાંખી, આદિવાસી ડાંગી નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક નૃત્યોએ રંગત જમાવી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button