કેટલાક સાધુઓ ગૃહ ત્યાગ કરીને પણ ગૃહસ્થ જેવું જીવન જીવે છે તો કેટલાક ગૃહસ્થો સંસારમાં રહીને પણ સાધુતાનું જીવન જીવે છે – આચાર્ય મહાશ્રમણ
જૈન આગમ આયારો આધારિત પ્રવચનમાળામાં સાધુ અને ગૃહસ્થો ની પરિભાષા સુપેરે સમજાવી
મહાતપસ્વી યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી “સંયમવિહાર” ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસર ખાતે આધ્યાત્મિક અમૃતવાણી નું રસપાન કરાવી રહ્યા છે. ઉપસ્થિત વિશાળ શ્રાવક સમુદાયને પ્રેરક ઉદબોધન આપતા આચાર્યશ્રીએ જણાવ્યું — આયારોમાં ગૃહસ્થો અને સાધુ સન્યાસીઓની જીવનચર્યા વિશે રોચક માહિતી આપવામાં આવી છે કેટલાક માણસો ગૃહત્યાગી હોવા છતાં ગૃહવાસી જેવું જીવન જીવે છે. તેઓ વારંવાર વિષયોનું સેવન કરે છે. વિષયો પ્રત્યે આસક્ત રહે છે. ગૃહત્યાગી હોવા છતાં તેમના જીવનમાં સંયમ ક્યાંય નજરે પડતો નથી. તેઓ ભોજનનો પણ સંયમ રાખતા નથી.
વ્યસનના દુષ્ચક્રમાં ફસાયેલા રહે છે. મોજ શોખમાં રચ્યા રહે છે. પ્રમાદી જીવન જીવે છે. આવા લોકો સાધુતાનો ઢોંગ કરતા હોય છે. સાધુતાનો અંચળો ઓઢી તેઓ એશોઆરામ કરતા હોય છે. જ્યારે કેટલાક ગૃહસ્થો એવા હોય છે જે સંયમ અને સાદગી પૂર્ણ જીવન જીવતા હોય છે. તેમણે ભલે ગૃહ ત્યાગ નથી કર્યો, સાધુનો વેશ ધારણ નથી કર્યો. પરંતુ તેઓ અહિંસાનું પાલન કરતા હોય છે. વેપાર વ્યવસાયમાં હંમેશા ઈમાનદારી રાખતા હોય છે. વ્રતો પ્રત્યે પણ જાગૃત રહે છે. સમય સમય પર ત્યાગ તપસ્યા પણ કરતા હોય છે. તેઓ સ્વાદ માટે જ ભોજન નથી કરતા બલકે ભોજનમાં સંયમ કરતા હોય છે. એક રીતે તેમનું જીવન સાધુતાનું જીવન હોય છે. આવા માણસો સંસારમાં ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સમાજ માટે આદર્શ પૂરો પાડતા હોય છે.
આયારો વર્ણિત શ્લોકની વ્યાખ્યા કરતા પૂજ્યશ્રીએ જણાવ્યું મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રીય પ્રાણી છે. ઇન્દ્રિયોની દ્રષ્ટિએ મનુષ્ય સૌથી વધુ વિકસિત પ્રાણી છે. તેની પાસે શ્રોત્રેન્દ્રીય એટલે કે કાન અને ચક્ષુરેન્દ્રીય એટલે કે આંખ છે. કાન થી એ સાંભળી શકે છે. કાન થી સાંભળેલી વાતને જ્યારે પોતાની આંખો દ્વારા નિહાળી લે છે તો વાત પ્રમાણિત (કન્ફર્મ) થઈ જાય છે. વનસ્પતિ જગત વિશે એ સાંભળી પણ લે છે અને જોઈ પણ લે છે. ત્યારબાદ પોતાનો વિવેક વાપરી મનુષ્ય વનસ્પતિ પ્રત્યે અહિંસા દાખવે તે જરૂરી છે.