શહીદ જવાનોના પરિવારજનોના વિશેષ સન્માન માટે તિરંગા યાત્રા અને વિરાંજલી મહારક્તદાન શિબિર યોજાઈ
વિરાંજલી મહારક્તદાન શિબિરમાં ૧૦૦૦ યુનિટ રક્ત એકત્ર કરાયુ
સુરતઃ કારગીલ વિજય દિવસ નિમિત્તે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી અને રોટરેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વીર શહીદ જવાનોના પરિવારજનોના વિશેષ સન્માન માટે તિરંગા યાત્રા યોજાઈ હતી. સમર્પણ ગૌરવ સન્માન સમારોહ અંતર્ગત BAPS મંદિર ગ્રાઉન્ડ, ધારૂકા કોલેજ સામે, કાપોદ્રાથી મિની બજાર સરદાર સ્મૃતિ ભવન સુધી આયોજિત તિરંગા યાત્રામાં ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા. ત્યારબાદ સરદાર સ્મૃતિભવન ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ યુવા ટીમ અને ધી વરાછા કો-ઓપ. બેંકના સંયુક્ત ઉપક્રમે વિરાંજલી મહારક્તદાન શિબિર યોજાઈ હતી.જેમાં વિવિધ કંપનીના કર્મચારીઓ, રત્નકલાકારો સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ મળી કુલ ૧૦૦૦ યુનિટ રક્તદાન એકત્ર કરી શહીદોને વિરાંજલી અર્પણ કરી હતી.
વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે શહીદ જવાનોના પરિવારો માટે આયોજિત મહારક્તદાન શિબિરમાં શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના હિતમાં આપણું કર્તવ્ય નિભાવીએ એ પણ એક સૈનિક સમાન કાર્ય છે. પરાક્રમી વૃતિના યુવાનો બનીએ એટલે કે સમભાવ અને સદ્દભાવના રાખી સારા નાગરિક, સારા અધિકારી, સારા પોલીસ બનવું એ પણ સૈનિકની ભૂમિકા છે. યુવાઓમાં રાષ્ટ્ર અને સમાજના હિત માટે મૂલ્યનિષ્ઠતા અને સમર્પણ, રાષ્ટ્રભાવના આપણા જીવનનો એક રાહ હોવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, દેશની સરહદો પર તૈનાત જવાનો સત્તા કે સંપતિની નહીં, પણ આપણી સુરક્ષાની ચિંતા કરે છે. સૈન્યના જવાનોમાં દેશપ્રેમનો નશો હોય છે, માટે જ આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે.
આ સમારોહમાં બ્રિગેડીયર બી.એસ. મહેતા, લેફ. કર્નલ મુકેશ રાઠોડ, લેફ. કર્નલ રેખાસિંહ, સામાજિક અગ્રણીઓ કાનજીભાઈ ભાલાળા, શૈલેષભાઈ લુખી, જયંતિભાઈ નારોલા, મનહરભાઈ સાસપરા, દિનેશભાઈ સાસપરા, રમણીક ઝાપડીયા, સવજીભાઈ વેકરીયા, હરીભાઈ કથીરિયા, સુરેશભાઈ પટેલ સહિત રાષ્ટ્રપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.