સ્પોર્ટ્સ
સ્ટેટ ટીટીમાં ક્રિત્વિકા રોય ચેમ્પિયન
સુરત ખાતેની ટુર્નામેન્ટમાં ફિલઝાહને હરાવીને ક્રિત્વિકાએ વિમેન્સ ટાઇટલ જીત્યું
ગાંધીધામ , 23 જૂન: ભૂતપૂર્વ ભારતીય ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે 20થી 23મી જૂન દરમિયાન સુરત ખાતે યોજાયેલી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 માં વિમેન્સ સિંગલ્સ ટાટલ જીતી લીધું હતું. સુરતની વતની બની ગયેલી ક્રિત્વિકાએ તેના જ શહેરની ફિલઝાહફાતીમા કાદરીને ફાઇનલમાં હરાવી હતી.
20 વર્ષીય ફિલઝાહે ઝડપી પ્રારંભ કર્યો હતો અને 0-2ની સરસાઈ હાંસલ કરી લીધી હતી પરંતુ બીજા ક્રમની ક્રિત્વિકાએ થોડા જ સમયમાં આ સરસાઈ ઘટાડીને 2-2થી સ્કોર સરભર કરી દીધો હતો. જોકે પોતાની સિનિયર ખેલાડીના પુનરાગમનથી વિચલીત થયા વિના ફિલઝાહે ફરીથી સરસાઈ મેળવી લીધી હતી. આ તબક્કે ક્રિત્વિકાએ આગામી ત્રણ ગેમ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. વર્તમાન સિઝનમાં ક્રિત્વિકાએ તેનું બીજું સ્ટેટ ટાઇટલ જીત્યું હતું.
અન્ય એક સ્થાનિક ખેલાડી દાનિયા ગોદીલે અંડર-13 અને અંડર-15 એમ બે ટાઇટલ જીત્યા હતા. બીજા ક્રમની દાનિયાએ અમદાવાદની ખ્વાઇશ લોટિયાને 3-2થી હરાવીને અંડર-13 અને ચોથા ક્રમની મૌબિની ચેટરજીને 3-1થી હરાવીને અંડર-15 ટાઇટલ જીત્યું હતું. જોકે મૌબિની માટે આશ્વાસનજનક બાબત એ રહી હતી કે તેણે અંડર-19ની ફાઇનલમાં તેના જ શહેરની પ્રાથા પવારને 4-1થી હરાવી હતી.
અમદાવાદના પાંચમા ક્રમના દ્વિજ ભાલોડીયાને ફાળે અંડર-15 બોયઝ ટાઇટલ આવ્યું હતું જ્યાં તેણે માલવ પંચાલને 3-0થી હરાવ્યો હતો.
અમદાવાદની જિયા ત્રિવેદીએ અંડર-17 ગર્લ્સ ટાઇટલ જીતવા માટે મોખરાના ક્રમની રિયા જયસ્વાલને 3-1થી હરાવીને અપસેટ સર્જયો હતો.
રાજકોટના બીજા ક્રમાંકિત દેવ ભટ્ટે મોખરાના ક્રમના અને સ્થાનિક ખેલાડી અનય બચાવતને અંડર-13 બોયઝ ફાઇનલમાં 3-1થી હરાવ્યો હતો.
અંડર-11 બોયઝ ફાઇનલમાં ભાવનગરના બીજા ક્રમના હેનિલ લાંગલિયાનો મુકાબલો કચ્છના ધ્રુવ ભાંબાણી સામે હતો જ્યાં તેનો 3-1થી વિજય થયો હતો જ્યારે ગર્લ્સ કેટેગરીમાં બીજા ક્રમની ધિમહી કાબરાવાલાએ મોખરાના ક્રમની મિશા લાખાણીને 3-1થી હરાવી હતી.
આયોજકોએ આ વખતે નવી કેટેગરીમાં બોયઝ અને ગર્લ્સ અંડર-9નો સમાવેશ કર્યો હતો જેમાં બોયઝ વિભાગમાં કચ્છના રેહાંશ સિંઘવીએ સુરતના પાનવ કેલ્લાને 3-0થી અને સુરતની પ્રિશા પારેખે આણંદની પ્રિશા પંડ્યાને 3-0થી હરાવી હતી.