સુરત

કામરેજ તાલુકાના જોખા ગામના ૧૦૩ વર્ષના વયોવૃદ્ધ મોહનભાઈ પટેલે મતદાન કર્યું

ખેતીકામ તેમજ શુદ્ધ, સુપાચ્ય અને સાત્વિક આહારથી મોહનભાઈ હજુ પણ સ્વસ્થ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખા ગામના ૧૦૩ વર્ષની વયના વયોવૃદ્ધ મોહનભાઈ મગનભાઈ પટેલે યુવાનોને શરમાવે તેવા ઉત્સાહથી લોકસભા ચૂંટણીમાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી, અને અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. તેમણે ઘરેબેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા મળતી હોવા છતાં તા.૭મી એ મતદાન મથક પર જ મતદાન કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવતા મોહનભાઈને પૌત્ર નિલેશભાઇ મતદાન કરવા માટે બુથ પર વ્હીલચેરમાં લઈ આવ્યા હતા.

પૌત્ર નિલેશભાઇએ જણાવ્યું કે, મારા દાદા ખેતીકામ કરતા હતા. તેમના સુદીર્ઘ જીવનનું રહસ્ય એ તેમનો શુદ્ધ, સુપાચ્ય અને સાત્વિક આહાર છે. તેઓ તાંબાની થાળી, વાસણોમાં જ જમે છે. દૂધ, રોટલો અને ગોળ એ તેમનો નિયમિત ખોરાક રહ્યો છે. ૧૦૦ વર્ષ સુધી તેઓ ખેતરે જતા આવતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી જ ખેતર નથી જઈ રહ્યા. તેમણે સવારે વહેલા ઉઠીને રાત્રે વહેલા સુવાનો નિત્યક્રમ જાળવી રાખ્યો છે. ગ્રામ્ય વિસ્તારના આદર્શ અને શુદ્ધ વાતાવરણના કારણે હજુ પણ સ્વસ્થ અને ખડતલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button