
નવી દિલ્હી : ભારતમાં બીબીસીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. આજથી સ્વતંત્ર મીડિયા કંપનીરૂપે ‘કલેક્ટિવ ન્યૂઝરૂમ’એ કામકાજ શરૂ કરી દીધું છે. આ સંપૂર્ણપણે એક ભારતીય કંપની છે. બીબીસીના ચાર વરિષ્ઠ પત્રકારોએ રાજીનામાં આપીને કલેક્ટિવ ન્યૂઝરૂમની સ્થાપના કરી છે. ડિજિટલ મીડિયાના ક્ષેત્રમાં વિદેશી રોકાણના નિયમો અનુરૂપ આ વ્યવસ્થા કરવામાં આવી છે. નવી વ્યવસ્થા અંતર્ગત ‘કલેક્ટિવ ન્યૂઝરૂમ’ ભારતમાં બીબીસી માટે કન્ટેન્ટ બનાવશે અને પ્રકાશિત કરશે. આનો ઉદ્દેશ પ્રભાવશાળી પત્રકારત્વથી ભારતીય ઑડિયન્સ સુધી સમાચાર પહોંચાડવાનો છે.
સંપાદકીય આઉટપુટ અંગે કલેક્ટિવ ન્યૂઝરૂમ મહત્ત્વાકાંક્ષી છે અને ભારતમાં પત્રકારત્વના ઉચ્ચ માપદંડો સ્થાપિત કરવા માગે છે. નવી કંપની હાલમાં બીબીસી માટે કન્ટેન્ટ બનાવશે અને પ્રકાશિત કરશે. જોકે, એક સ્વતંત્ર મીડિયા કંપની તરીકે ભવિષ્યમાં બીજા ક્લાયન્ટ માટે પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ બનાવવાની ઇચ્છા ધરાવે છે. કલેક્ટિવ ન્યૂઝરૂમના શુભારંભ માટે 12 એપ્રિલ, 2024ના રોજ નવી દિલ્હીની હોટલ તાજમાં આયોજિત સમારોહમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પત્રકારત્વ, મીડિયા જગતના અગ્રણીઓ સહિત વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ સમારોહમાં કલેક્ટિવ ન્યૂઝરૂમનાં સીઈઓ રૂપા ઝાએ જણાવ્યું હતું, “હું રોમાંચિત છું કે કલેક્ટિવ ન્યૂઝરૂમ એક મહત્ત્વાકાંક્ષી મિશન અંગે ભરોસાપાત્ર, રચનાત્મક અને સાહસિક પત્રકારત્વ કરવા માટે વ્યાપક અનુભવ અને પ્રતિભાવાન એવી પોતાની શાનદાર ટીમ સાથે આધિકારિક રીતે લૉન્ચ થયું છે.”
“દર્શક-વાચક કલેક્ટિવ ન્યૂઝરૂમને એક સ્વતંત્ર સમાચાર સંસ્થાના તરીકે ટૂંક સમયમાં જ જાણવા લાગશે, જે તથ્યો પર વાત કરે છે, જાહેર હિતમાં કામ કરે છે અને વિવિધ અભિવ્યક્તિઓ અને દૃષ્ટિકોણને લોકો સુધી પહોંચાડે છે.”રૂપા ઝા સાથે એમનાં સાથી ડાયરેક્ટર મુકેશ શર્મા, સંજૉય મજુમદાર અને સારા હસન સામેલ છે. આ બધાં પાસે સંપાદકીય અને પ્રોગ્રામિંગ તૈયાર કરવાનો બહોળો અનુભવ છે.
કલેક્ટિવ ન્યૂઝરૂમના પ્રથમ ક્લાયન્ટ બીબીસી પાસે ઑડિયન્સ હિસાબે બીબીસીની સૌથી મોટી ભાષા સેવા ‘બીબીસી ન્યૂઝ હિંદી’નો કૉન્ટ્રેક્ટ પણ સામેલ છે. દર્શકો અને વાચકોની સંખ્યાના બાબતે બીબીસી માટે ભારત પ્રથમ ક્રમે રહેલો દેશ છે, બીબીસીની સામગ્રી ભારતમાં આઠ કરોડથી વધારે લોકો સુધી પહોંચે છે.
બીબીસી ન્યૂઝ હિંદી, બીબીસી ન્યૂઝ મરાઠી, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ પંજાબી, બીબીસી ન્યૂઝ તામિલ, બીબીસી ન્યૂઝ તેલુગુ સાથે અંગ્રેજીમાં યૂટ્યૂબ માટે વીડિયો કન્ટેન્ટ બનાવવા અને પ્રકાશિત કરવાનું કામ કલેક્ટિવ ન્યૂઝરૂમ કરશે.