વેસુમાં દીક્ષાર્થી દેવેશની સૂરીલી સંગીત સરગમમાં ભાવિકો ભીંજાયા
'દેવેશ યોગ સરગમ' અંતર્ગત યોજાયેલા સંયમ સૂર સ્પર્શના કાર્યક્રમ માણવા શાસનપ્રેમીઓની ભીડ જામી
સુરત: શનિવારની ઢળતી સાંજે વેસુ વિસ્તારમાં મીઠો અને શાતા આપતો સૂરીલો વાયરો વહી રહ્યો હતો…કેમ કે વિજયાલક્ષ્મી હોલમાં સંયમના સુરોની અનોખી સરગમ છેડાઈ હતી…એક પછી એક રજૂ થતા ભક્તિ અને સંયમના ગીતો ઉપસ્થિત હજારો ભાવિકોના મનપ્રદેશ પ્રફુલ્લિત થયા…સરગમના મંચ પરથી ગાયક – ગીતકાર અને સંગીતકારનો જેમાં ત્રિવેણી સંગમ રચાયો એવા મુમુક્ષુરત્ન દેવેશકુમાર એના સૂરીલા સંગીત અને સ્વરથી દરેક શ્રવણ કરનારના કર્ણપટમાં જાણે મિસરી ઘોળી રહ્યા હતા…ખચાખચ ભરેલો હોલ સંગીતમાં લીન બન્યો…દરેકના મસ્તિષ્કમાં ‘દેવેશ યોગ સરગમ’ ગુંજી રહી છે.
અવસર છે દીક્ષાયુગપ્રવર્તક વિશ્વવંદનીય મહાપુરુષ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ત્રિપદીથી રોમેરોમ રંગાયેલા સુરતના રાતડીયા પરિવારમાં શતાયુ વર્ષો પછી થઈ રહેલી દીક્ષાનો…પરિવારના ચોથી પેઢીના યુવરાજ સંગીતકાર દીક્ષાર્થી દેવેશ અમદાવાદમાં આગામી તા.૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન શ્રી શાન્તિ-જિન શ્વે.મૂ.પૂ.તપાગચ્છ જૈન સંઘ – અધ્યાત્મ પરિવારના ઉપક્રમે આયોજિત વીરવ્રતોત્સવ સામૂહિક દીક્ષામાં દીક્ષા લેશે.
‘સૂરિશાન્તિ-જિન-સંયમ’ કૃપાપ્રાપ્ત દીક્ષાધર્મના મહાનાયક પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની અધ્યાત્મવાણીથી વૈરાગી બનેલા ૩૫-૩૫ દીક્ષાર્થીઓ અહીં સંયમમાર્ગ સ્વીકારશે.
આ દીક્ષા મહોત્સવ પૂર્વે સુરતમાં દેવેશના પરિવાર દ્વારા તા.૩૦ અને ૩૧ માર્ચ વિજયાલક્ષ્મી હોલમાં ‘દેવેશ યોગ સરગમ’ નામે ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે પહેલા દિવસે શનિવારે સાંજે દેવેશકુમાર પોતાના મધુર કંઠથી રજોહરણની સામે રજોહરણના આલંબને સેંકડો સંયમપ્રેમીઓને સંયમની સૂર સ્પર્શના કરાવી હતી. જૈનશાસનની કદાચ પહેલી ઘટના હશે કે જેમાં દીક્ષાર્થી પોતે સંગીતના માધ્યમે સંયમસૂર રેલાવી હોય !
સાંજે ૭.૩૦ વાગ્યે સંગીતના વિવિધ વાદ્યોથી મઢેલા મ્યુઝિકલ મંચ પર જ્યારે દીક્ષાર્થી દેવેશ પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર હોલ જિનશાસનના જયકારથી ગુંજી ઉઠ્યો હતો. સ્ટેજના બેકડ્રોપમાં એક તરફ સંગીત વાદ્યો અને બીજી તરફ દીક્ષાનું પ્રતિક એવો ઓઘો મૂકવામાં આવ્યો હતો. સ્ટેજની બંને બાજુ સાજીંદાઓ હતા. આવા માહોલમાં જ્યારે દેવેશે મંચ પરથી શાસનના સૂર છેડ્યા ત્યારે ઉપસ્થિત શાસનપ્રેમીઓ એક અનોખી ભાવધારામાં ડૂબી ગયા હતા.
આખા હોલમાં પિનડ્રોપ સાયલન્સ…બસ દેવેશના સ્વર અને સૂરીલું સંગીત સૌને ચેતનવંતા બનાવવામાં આધાર બન્યા. શ્રી અજિત-શાન્તિ ગાથા અને સ્તુતિઓ સાથે સંગીતયાત્રાની સુમધુર શરૂઆત થઈ. બાદમાં પ્રભુભક્તિના પદો…ગુરુભક્તિ પ્રગટ કરતી વાણી…કવ્વાલી…ધજા ગીતો…જાણીતા દીક્ષા ગીતો અને અંતમાં દેવેશના સ્વરચિત ૨૭ ગીતોની અને સંયમધર્મના ૫૪ જેટલા ગીતોની વિશેષ કરીને યોગકાંક્ષીના ગીતોની નોનસ્ટોપ મેશપની પ્રસ્તુતિ થઈ ત્યારે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા.
દેવેશના સૂરનો જાદુ કહો કે બીજુ કંઈ…પરંતુ સતત ત્રણ કલાક સુધી લોકો પોતાના સ્થાન પરથી ઊભા થયા ન હતા. છેક સુધી દેવેશ યોગ સરગમના સાથી બનીને રહ્યા અને હોલ પણ તાળીઓના સૂરથી સતત ગૂંજતો રહ્યો…આ સૂરીલી સફર વચ્ચે દેવેશ દ્વારા રચિત ૨૭ શાસનના ગીતોથી મઢેલી પુસ્તકનું વિમોચન પણ કરાયુ હતું. સમગ્ર સંયમ સૂર સ્પર્શનાની સંવેદના પરિવારના જ જાણીતા સંવેદકો નયસાર, હિતસાર તથા રવીન્દ્રભાઈ CA એ કરેલ. આ અગાઉ સવારે ૯.૩૦ વાગ્યે નિલેશભાઈ રાણાવતના સંગીત દ્વારા અલૌકિક સ્નાત્ર મહોત્સવ થયો હતો.
આજે વરઘોડો અને વિદાય સમારોહ યોજાશે
બે દિવસીય મહોત્સવમાં આજે તા.૩૧ મી એ સવારે ૭ વાગ્યે વૈભવી વર્ષીદાન યાત્રાનો દિવ્ય વરઘોડો નીકળશે. વરઘોડો સંપ્રતિ પેલેસથી વિજયાલક્ષ્મી હોલ પહોંચશે. સવારે ૧૧ વાગ્યે પ્રવચન બાદ સ્વામીવાત્સલ્ય અને રાત્રે ૮ વાગ્યે સંયમ શબ્દ સ્પર્શના નામથી દીક્ષાર્થીનો અદ્ભુત વિદાય સમારોહ યોજાશે. જેમાં જાણીતા સંગીતકાર શિવમ સિંઘ સંગીતના સૂર રેલાવશે.