સુરતના અતિ સંપન્ન, ધાર્મિક અને સીએ પરિવારના સંગીતકાર દેવેશ દીક્ષા લેશે
૩૦ અને ૩૧ માર્ચે વેસુના વિજયા લક્ષ્મી હોલમાં ‘દેવેશ યોગ સરગમ’ નામે ભવ્ય મહોત્સવનું આયોજન
દીક્ષા યુગપ્રવર્તક વિશ્વવંદનીય મહાપુરુષ પૂ. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ત્રિપદીથી રોમેરોમ રંગાયેલા પરિવારમાં, પૂ. સૂરિશાન્તિચન્દ્ર તથા પૂ. સૂરિજિનચન્દ્રની જેના પર કૃપા વરસે છે એવા સુરતના રાતડીયા સંયુક્ત પરિવારમાં ૧૦૦ વર્ષો પછી પ્રથમવાર દીક્ષા થવા જઈ રહી છે. પરિવારના ચોથી પેઢીના જયેષ્ઠ અને શ્રેષ્ઠ યુવરાજ હૃદય સંગીતકાર દેવેશને દીક્ષા માટે પરિવારે સહર્ષ આનંદથી રજા આપી પરિવારમાં સૌ પ્રથમ દીક્ષાના દ્વાર ખોલ્યા છે.
રાજનગર અમદાવાદમાં આગામી તા. ૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન શ્રી શાન્તિજિન જૈન સંઘ – અધ્યાત્મ પરિવારના ઉપક્રમે આયોજિત વીરવ્રતોત્સવ સામુહિક દીક્ષા ઉત્સવમાં જૈનાચાર્ય પૂ. યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની અધ્યાત્મવાણીથી વૈરાગી બનેલા ૩૫- ૩૫ દીક્ષાર્થીઓ સંયમમાર્ગે જશે. જેમાં એક છે, મશહૂર ગાયક યુવરાજ..મુમુક્ષુ ચિ.દેવેશ નંદીષેણભાઈ રાતડીયા.
દીક્ષા અગાઉ તા ૩૦ અને ૩૧ માર્ચ સુરતમાં વિજયા લક્ષ્મી હોલમાં ‘દેવેશ યોગ સરગમ’ નામે ભવ્ય મહોત્સવ થશે. જૈનશાસનની કદાચ પહેલી ઘટના હશે કે જેમાં દીક્ષાર્થી પોતે એટલે કે દેવેશકુમાર પોતાના અતિમધુર અને મશહૂર કંઠથી રજોહરણની સામે સેંકડો સંયમપ્રેમીઓને સંયમની સૂર સ્પર્શના કરાવશે. તા -૩૦ મીએ સવારે ૯.૩૦ વાગ્યે અલૌકિક સ્નાત્ર મહોત્સવ અને સાંજે ૭.૩૦ કલાકે
સંયમ સૂર સ્પર્શના અંતર્ગત દીક્ષાર્થી દેવેશ કુમાર સંગીત ભક્તિ કરશે.
તા – ૩૧ મી એ સવારે ૯ વાગ્યે વૈભવી વર્ષીદાન યાત્રા, સવારે ૧૧ વાગ્યે પ્રવચન બાદ સ્વામી વાત્સલ્ય અને સાંજે ૭ વાગ્યે સંપ્રતિ પેલેસથી વિજયા લક્ષ્મી હોલ સુધી દિવ્ય વાંદોલી નીકળશે. જ્યારે રાત્રે ૮ વાગ્યે દીક્ષાર્થીનો વિદાય સમારોહ યોજાશે. જેમાં જાણીતા સંગીતકાર અને સિંગર પાર્થભાઇ સંગીતના સુર રેલાવશે.
દેવેશની દીક્ષામાં એક ખાસ વાત એ છે કે અમદાવાદ વીરવ્રતોત્સવ પ્રસંગે, દીક્ષાના આગલા દિવસે સંસારની છેલ્લી સાંજે અંતિમ વાયણા બાદ પ્રથમવાર એવું બનશે કે દીક્ષાર્થી ખુદ મહાપૂજામાં પ્રભુજીની સંધ્યાભક્તિ કરશે અને કરાવશે. જૈન દીક્ષાના ઇતિહાસમાં આ પ્રથમવખત છે.
દેવેશ કહે છે, સંસારમાં બધા સુખ ખંડિત છે. અખંડ અને પરમ સુખ મને દિક્ષામાં દેખાયું છે. ખુબ સમજી વિચારીને હું આ માર્ગ પર આગળ વધ્યો છે. એકના એક પુત્રને દીક્ષા આપતા દેવેશના માતાપિતા ફાલ્ગુનીબેન અને નંદિષેણભાઇ કહે છે : “ઘર કરતા અમે એને ગુરુકુળવાસમાં વધુ ખુશ જોયો છે. દીકરો ઉત્તમ એવા સંયમ માર્ગે આગળ વધી રહ્યો હોય તો અમારે તો એને ટેકો જ આપવાનો હોય. આ અમારા માટે આનંદ અને ગૌરવની ઘડી છે.”