સુરત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નો ભવ્ય શુભારંભ

રૂપિયા ૪.પ૦ લાખથી લઇને રૂપિયા ૪.પ૦ કરોડની કાર અને રૂપિયા ૪૦ હજારથી લઇને રૂપિયા ૪૦ લાખ સુધીની મોટરસાયકલનું પ્રદર્શન

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧પ માર્ચ, ર૦ર૪ના રોજ સેમિનાર હોલ– એ, એસઆઇઇસીસી ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાયો હતો. જેમાં ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ અને કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરાએ વિશેષ મહેમાનો તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, દેશમાં દરેક નાગરિકનો પરચેઝીંગ પાવર વધશે અને તેની સાથે સપ્લાય અને ટ્રેડ વધશે ત્યારે દેશનો ઝડપી વિકાસ થશે. આપણે, ઓટો એક્ષ્પોના માધ્યમથી જીડીપીમાં યોગદાન આપીએ છીએ ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓટોમોબાઈલનું પ્રોડકશન અને મેન્યુફેકચરીંગ શરૂ થાય તો ભારતને વિશ્વમાં પ્રથમ હરોળની ત્રણ અર્થવ્યવસ્થામાં લઇ જઇ શકીશું. આ દિશામાં પ્રયાસ કરીશું ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું દેશને વર્ષ ર૦ર૭ સુધીમાં પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સાકાર કરી શકીશું.

ચેમ્બર ઓફ કોમર્સે સુરતથી એક્ષ્પોર્ટ વધારવા માટે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિઝન હાથ ધર્યુ છે ત્યારે એવી હકીકતો સામે આવી રહી છે કે વિશ્વના જુદા–જુદા દેશો ભારતના એક્ષ્પોર્ટ પોટેન્શિયલ વિશે સંપૂર્ણપણે જાણતા નથી. દુનિયાનું ત્રીજું સૌથી મોટું માર્કેટ ભારતનું છે. ટુ વ્હીલરના વેચાણમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. ઓટોમોબાઇલ સેકટર ભારતની જીડીપીમાં ૭ ટકા યોગદાન આપે છે, જેની સાથે સીધી રીતે ૪ કરોડ લોકો જોડાયેલા છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનતી ૭૦ ટકા પેસેન્જર કારની કંપનીઓ ફોરેન અધિકૃત છે, જેને મેક ઇન ઇન્ડિયા કરવાની જરૂર છે. ભારતમાં ૧૦૦૦ લોકો વચ્ચે રર કાર છે. આ આંકડો અમેરિકા અને ચાઇનામાં અનુક્રમે ૯૮૦ અને ૧૬૪ છે. ભારતમાં ૭થી ૯ ટકા ઓટોના સાધનો ચાઇનાથી ઇમ્પોર્ટ થાય છે ત્યારે ભારતમાં ઓટોમોબાઇલ સેકટરને ખૂબ જ આગળ લઇ જવાની સંભાવનાઓ છે.

વધુમાં તેમણે કહયું કે, સુરત શહેર એ ગુજરાતમાં ઓટોમોબાઇલ માટે પ્રથમ ક્રમે આવે છે. ગુજરાત સરકારે ઇલેકટ્રીક વ્હીકલ માટે પોલિસી બનાવી છે. જેમાં ફોર વ્હીલર માટે ર૦ હજાર, થ્રી વ્હીલર માટે ૭૦ હજાર અને ટુ વ્હીલર માટે ૧ લાખ ૧૦ હજાર મળી કુલ ર લાખ ઇલેકટ્રીક વ્હીકલનો ટારગેટ આપવામાં આવ્યો છે. સરકારે રિન્યુએબલ એનર્જીમાં ગ્રીન હાઇડ્રોજનને પ્રાથમિકતા આપી છે ત્યારે લોકોએ પોલ્યુશન નહીં કરતા વાહનોને પસંદ કરી પોલિસીમાં સહયોગ આપવો જોઇએ.

ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડના જોઈન્ટ વેન્ચર તરીકે iACEની ગુજરાત રાજ્યમાં સ્થાપના થઈ હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી)એ ગુજરાતને મેન્યુફેકચરીંગ હબ બનાવવાની વાત કરી હતી.

કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરાએ જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ સેકટરનું ભવિષ્ય સ્પીડ અને કમ્ફર્ટ પુરતુ જ મર્યાદિત નથી પણ તે સસ્ટેનેબિલીટી અને સુરક્ષા પર પણ આધારિત છે. હાલમાં હાઈડ્રોએન્જિન્સ અને ઓટોનોમિઝ ટેકનોલોજી ઓટોમોબાઈલ સેકટરમાં સેન્ટર સ્ટેજ પર છે. આ ઈન્ડસ્ટ્રીમાં મેન્યુફેકચરીંગ અને ડીલરશિપ ક્ષેત્રે ઈનોવેશન અને આંત્રપ્રિન્યોર્સની ભૂમિ સુરતનું મહત્વનું યોગદાન રહ્યું છે.

ઓટો એક્ષ્પોના ચેરમેન મેહુલ દેસાઇએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એકઝીબીશન ગણાય છે. જેમાં મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. આ એક્ષ્પોમાં રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર અને રૂપિયા ૪૦ હજારથી લઇને રૂપિયા ૪૦ લાખ સુધીની મોટર સાયકલનું પ્રદર્શન થઇ રહયું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button