ઉમરપાડાના સાદડાપાણી ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ
સુરતઃ ગામની બહાર જઈ ન શકતા વડીલો, સ્ત્રીઓને ઘરઆંગણે જ નિષ્ણાત તબીબોની આરોગ્ય સેવા મળી રહે એ માટે અદાણી ફાઉન્ડેશન, હજીરા ઉમરપાડા તાલુકાના વિવિધ ગામોમાં સમયાંતરે આરોગ્ય શિબિરનું આયોજાન કરે છે. એ જ કડીમાં રવિવાર 11મી ફેબ્રુઆરી 2024 ના રોજ સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આદિવાસી બહુલ ઉમરપાડા તાલુકાના સાદડાપાણી ગામમાં નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ભરૂચની વી કેર હોસ્પિટલના પાંચ નિષ્ણાત તબીબો સામાન્ય રોગ, આંખ, હાડકા, બાળરોગ અને સ્ત્રીરોગ દ્વારા રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી. આ આરોગ્ય કેમ્પનો ગામના અનેક લોકોએ લાભ લીધો હતો. આ પૈકી 200 દર્દીઓને આંખની તપાસ કર્યા બાદ મફત ચશ્મા આપવામાં આવ્યા હતા અને અન્ય ગ્રામજનોને વિવિધ રોગોની મફત સારવાર અને દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોતિયાના 12 દર્દી ઓળખાયા હતા એમના ઓપરેશન માટે માંડવીના દિવ્યજ્યોતિ હોસ્પિટલ સાથે સંકલન કરીને વ્યવસ્થા ગોઠવાશે.
અદાણી ફાઉન્ડેશન, હજીરા નિયમિત આરોગ્ય શિબિરની સાથે જ બીજા અનેક પ્રકારના કાર્યો ઉમરપાડા વિસ્તારમાં કરે છે. તાલુકાના ટીબીના દર્દીઓને દત્તક લઈ એમને ન્યુટ્રિશન કીટ દર મહિને આપે છે. કોટવાળિયા સમુદાય, ખેડૂત, સ્વયંસેવી જૂથ ચલાવતી મહિલાઓ સાથે પણ અનેક પ્રવૃતિ કરે છે.