અમદાવાદસ્પોર્ટ્સ

અદાણી બ્લૂ કબ્સ લિગ ફૂટબોલ સ્પર્ધાનો આજથી પ્રારંભ

ત્રણ મહિના ચાલનારી સ્પર્ધામાં રાજ્યના 24 જિલ્લાની ટીમો ત્રણ કેટેગરીમાં ભાગ લેશે

અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અદાણી ગ્રુપના સહયોગથી રાજ્યમાં અદાણી બ્લૂ કબ્સ લિગ ફૂટબોલ સ્પર્ધાનું 16 ડિસેમ્બરથી 29 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ગોલ્ડન બેબી લિગના બે સત્રના સફળ આયોજન બાદ આ સ્પર્ધાને લઈને ભારે આતુરતા જોવા મળી રહી છે. સ્પર્ધામાં રાજ્યમાંથી 2000થી વધુ ખેલાડીઓ ભાગ લે એવી શક્યતા છે. અંડર-8-10 અને 12 વર્ષના ત્રણ ગ્રુપમાં યોજાનારી સ્પર્ધા રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાશે. ગ્રાસ રૂટ પર ગુજરાતમાં ફૂટબોલના વિકાસ માટેની અદાણીની પ્રતિબધ્ધતા સાથે ગુજરાતમાં સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી-મેડલ્સ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

સ્પર્ધા અંગે માહિતી આપતા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના માનદ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે 2018માં ગ્રાસરૂટ લેવલ પર ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી આ સ્પર્ધા કોરોનાના લિધે નિયમિત યોજી શકાઈ ન હતી જોકે ત્રીજી આવૃત્તીમાં એઆઈએફએફ (AIFF) બ્લૂ કબ્સ લિગની ફોર્મેટના આધારે રમાનારી આ સ્પર્ધામાં ગુજરાતના 24 જિલ્લાની ટીમો ભાગ લેશે. ત્રણ મહિના ચાલનારી ત્રણ ગ્રાસરૂટ કેટેગરીમાં રમાનારી સ્પર્ધા માટે દરેક જિલ્લાની ક્લબ-કોચ કે સંસ્થાની ટીમ ભાગ લઈ શકે છે. ટીમોને પ્રાયોજકો દ્વારા નિયમ મુજબ નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે.

મૂળરાજસિંહે વધુમાં જણાવ્યું કે અગાઉની સ્પર્ધાને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો અને છેલ્લી સ્પર્ધામાં 19 જિલ્લાની ટીમોના 2000થી વધુ ખેલ્ડીઓએ તેમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ફૂટબોલના નિયમોથી પણ અજાણ એવા બાળકો આ સ્પર્ધાથી માત્ર રમતના નિયમોને જાણવા સમજવા ઉપરાંત રમતમાં આગળ વધવા યોગ્ય તાલીમ અને પ્લેટફોર્મ પણ મેળવે છે.

આ લિગમાં પરંપરાગત 0,1,3-હાર,ડ્રો અને જીત બદલ મળતા પોઈન્ટમાં બદલાવ કરીને 1,2,3 પોઈન્ટ હારડ્રો અને જીત બદલ કરવામાં આવ્યા છે. આનો આશય એ છે કે હારનારી ટીમને પણ આશ્વાસન રૂપે એક પોઈન્ટ મળે અને ટીમનો સ્પર્ધામાંનો ઉત્સાહ જળવાઈ રહે. પોઈન્ટ આપોઆપ જ લિગની ખાસ એપ પર અપડેટ થઈ જાય છે.

મૂળરાજસિંહ રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતાને વધારવાના પ્રયાસ તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન માધ્યમ દ્વારા ચાલતા ફીફા ફૂટબોલ ફોર સ્કૂલ નામનો પ્રોજેક્ટ શાળા કક્ષાએ ચાલુ કરી રહ્યા છે અને  સરકારી શાળા કક્ષામાં ફૂટબોલસ પહોંચાડીને તેમના અંદર ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ફૂટબોલનું સ્તર ઉપર આવે તેની માટે કોચીસ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેવું એમને જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button