હાંસોટ તાલુકાના ઈલાવ ગામની સગર્ભા મહિલાની ૧૦૮ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ
પ્રસવ પીડા વધતા વડોલી પાસે એમ્બ્યુલન્સમાં જ ૧૦૮ ટીમે વહેલી સવારે સફળ પ્રસૂતિ કરાવી
સુરતઃ ૧૦૮ સેવા રાજ્યના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ છેવાડાના અંતરિયાળ વિસ્તારોના દર્દીઓ માટે સંકટ સમયની સાંકળ બની છે. આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે લોકજીભે ચઢેલો એકમાત્ર નંબર એટલે ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ છે, ત્યારે ૧૦૮ સેવા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામની સગર્ભા મહિલા માટે આશીર્વાદરૂપ બની હતી.
તા.૨જી સપ્ટે.ના રોજ વહેલી સવારે ૪.૨૪ વાગ્યે ઇલાવના હળપતિવાસમાં રહેતા પરિવારની ૨૦ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા પરિવારે ૧૦૮ ને કૉલ કર્યો હતો. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી હતી. દર્દીને ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર જઈ રહ્યા હતા, ત્યારે વડોલી ગામ પાસે પહોંચતા વચ્ચે રસ્તામાં પ્રસૂતિ પીડા વધી જતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી કરાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. EMT સ્નેહલ પટેલે વધુ સમય ન બગાડતા વડોલી ગામ પાસે એમ્બ્યુલન્સ ઉભી રખાવી અને ૧૦૮માં જ સાવધાનીપૂર્વક ડિલિવરી કરાવી હતી. સફળ પ્રસૂતિ થતા માતાએ ૧.૭૦ કિલો વજન ધરાવતા એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
અમદાવાદ સ્થિત ૧૦૮ની હેડઓફિસ સ્થિત ડો.પરમારના માર્ગદર્શન હેઠળ બાળકને ન્યુ બોર્ન કેર આપીને પ્રસૂતા માતા અને નવજાત બાળકને ઓલપાડ સીએસસીમાં શિફ્ટ કરાયા હતા. સફળ પ્રસૂતિ થતાં સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ૧૦૮ ટીમના EMT સ્નેહલ પટેલ અને પાઇલોટ મહેશ ગમારાનો આભાર વ્યક્ત કર્યો હતો.