ગુજરાતબિઝનેસસુરત

કોવિડ પછી વિશ્વમાં ભારત પ્રત્યે એવો વિશ્વાસ કેળવાયો છે કે પ્રોડકટ મોંઘી હશે છતાં દુનિયાએ ભારતથી પ્રોડકટ લેવી છે : ડો. મનસુખ માંડવિયા

કેમિકલ્સ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ રૂપિયા ૧૭,પ૯૩ કરોડથી વધુનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લીધો

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત શનિવાર, તા. ર સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ભારત સરકારના કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મંત્રી ડો. મનસુખ માંડવિયા સાથે સંવાદ યોજાયો હતો.

આ સંવાદમાં કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભારત સરકાર, ઉદ્યોગકારો પાસે શું ઇચ્છે છે તે બાબતે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્યોગકારોએ પણ વ્યાપાર અને એક્ષ્પોર્ટને વધારવા માટે તેઓ સરકાર પાસેથી શું અપેક્ષા રાખે છે તે અંગે તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી કેટલાક પ્રશ્નો રજૂ કરી સૂચનો આપ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહયા છે. જેના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવીયાની હાજરીમાં હાલ જે ઉદ્યોગકારો એક્ષ્પોર્ટ કરી રહયા છે તેઓએ પોતાના એક્ષ્પોર્ટને વધારવા માટે તેમજ નવા ઉદ્યોગ સાહસિકોએ એક્ષ્પોર્ટ શરૂ કરવા માટે સ્વયંભૂ સંકલ્પ લીધો હતો.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં કેમિકલ્સ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ રૂપિયા ૧૭,પ૯૩ કરોડથી વધુનો એક્ષ્પોર્ટ કરવા સંકલ્પ લીધો હતો. હવે ચેમ્બર દ્વારા યોજાનારા આગામી કાર્યક્રમોમાં ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, જેમ એન્ડ જ્વેલરી, સોલાર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એન્જીનિયરીંગ, ડિફેન્સ પ્રોડકટ્‌સનું ઉત્પાદન કરનારા તેમજ એક્ષ્પોર્ટ કરતા ઉદ્યોગકારોને જોડવામાં આવશે અને તેઓને પણ તેઓનું એક્ષ્પોર્ટ વધારવા હાંકલ કરાશે.

આવી રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાત રિજીયનમાંથી રૂપિયા ૧,૬૮,૦૦૦ કરોડના એક્ષ્પોર્ટ માટે સંકલ્પ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેમાંથી પ૦ ટકા એક્ષ્પોર્ટ થાય તો પણ ૮૪૦૦૦ કરોડના એક્ષ્પોર્ટના લક્ષ્યાંકને પહોંચી શકાશે. મિશન ૮૪ અંતર્ગત વર્ષ ર૦ર૬ સુધીમાં એક્ષ્પોર્ટ કરી બતાવીશું તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ટાર્ગેટ ઓરિએન્ટેડ સામુહિક સંકલ્પથી સિદ્ધી સુધી પહોંચવા માટેનો રોડમેપ તૈયાર કરવો એ વેપારી તરીકેના સંસ્કાર છે. ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા જેમણે સંકલ્પ લીધા તેઓને તેમણે અભિનંદન આપ્યા હતા. તેમણે કહયું હતું કે, ૮૪૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ તમે કરી શકો છો તેની મને ખાતરી છે. આવી રીતે દરેક યુવાન સંકલ્પ લઇને આગળ વધશે ત્યારે ભારત દેશને ડેવલપ થતા કોઇ રોકી શકશે નહીં. દુનિયા તમારી સાથે પાર્ટનરશિપ કરશે.

ભારત દેશ, ટ્રેડની અંદર પહેલાંથી જ સમૃદ્ધ હતો. વિશ્વનું સૌથી જૂનું ડોક લોથલમાં છે. પ૦૦૦ વર્ષ પહેલા લોથલથી ટ્રેડ ચાલતો હતો. ધોળાવિરામાં પ૦૦૦ વર્ષ પહેલા વોટર હાર્વેસ્ટીંગ અને સિટી પ્લાનિંગ થયા હતા. સુરતમાં એક સમયે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા. ર૦૦ વર્ષ પહેલા સુરતમાં શીપ તૈયાર થતા હતા. આથી આ દેશ સમૃદ્ધ વિરાસતનો વાહક છે. વિરાસતમાંથી પ્રેરણા લઇને આગળ વધે તેનું ભવિષ્ય સુનિશ્ચિત થઇ જાય છે. ભારતની સમૃદ્ધિ દુનિયા આવીને જોઇ શકે તે માટે પ્રયાસ થઇ રહયા છે.

તેમણે એક્ષ્પોર્ટર બનવા માટે ગુણવત્તાયુકત પ્રોડકટનું ઉત્પાદન, વ્યાજબી દર અને વિશ્વમાં પ્રોડકટની માંગ ઉભી કરવી પડશે તેમ જણાવ્યું હતું. વિશ્વમાં વિશ્વસનિયતા ઉભી કરવાની જરૂર છે. વિશ્વભરમાં ભારતે બેસ્ટ કોવિડ મેનેજમેન્ટ કર્યું હતું. જેના થકી ટ્રેડ એન્ડ બિઝનેસને સિકયુરિટી આપવાનું કામ કર્યું હતું અને વિશ્વના ૭૪ દેશોએ ભારતનો આભાર માન્યો હતો. કોવિડ પછી વિશ્વમાં ભારત પ્રત્યે એવો વિશ્વાસ ઉભો થયો છે કે પ્રોડકટ મોંઘી હશે છતાં દુનિયાએ ભારતથી પ્રોડકટ લેવી છે. વિશ્વ માટે સૌથી સુરક્ષિત રોકાણ કરવા માટેનો દેશ એટલે ભારત છે.

ભારત સરકાર, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી છે. વેપાર – ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. સરકાર ૧૪ લાખ કરોડની પીએલઆઇ સ્કીમ લાવી રહી છે. નવી પોલિસી અને એકટમાં રિફોર્મ સાથે કલીયર વિઝન નકકી કરી રહી છે. મેડિકલ ડિવાઇસિસ બનાવવા માટે પાર્ક બનાવી રહયા છે. બલ્ક ડ્રગ પાર્ક બની રહયા છે. સરકાર હવે ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થવાનું કામ કરી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં કેમિકલ ઝોન બનાવવો હોય તો એના માટે ઇન્ડસ્ટ્રી જગ્યા આઇડેન્ટીફાય કરી તેનું વેલ્યુએશન કરે. સ્પેશિયલ પર્પઝ વેહિકલ બનાવે અને એમાં સરકાર પાર્ટનર બને. ત્યારબાદ બે – પાંચ વર્ષો બાદ સરકાર ઇકવીટી લઇને બહાર નીકળી જાય. આવું મોડેલ કેમિકલ સેકટરમાં લાવવા માટે સરકાર કામ કરી રહી છે. સરકાર હવે બેઝીક કેમિકલ પર પીએલઆઇ લઇને આવી રહી છે. આપણે હવે ઇનોવેશન ઓફ ધ વર્લ્ડ થવું છે. એના માટે સ્ટાર્ટ–અપને પ્રોત્સાહન આપવાનું છે. યુવાઓને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા ઇનોવેશન માટે સરકાર મદદ કરવાની છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ ઇન્ટરેકટીવ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયા, મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબી તથા ગૃપ ચેરમેનો રાકેશ જૈન અને ભાવેશ ટેલર તેમજ મનહર સાસપરા સહિત પ૦૦થી વધુ ઉદ્યોગકારો આ સેશનમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. જ્યારે પૂર્વ માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ કેમિકલ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ સંબંધિત વિવિધ પ્રશ્નો તથા ઉદ્યોગકારોના સૂચનો કેન્દ્રિય મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button