પૂજ્ય મોરારી બાપૂએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષકો, ખેડૂતો અને માછીમારોને મહેમાન તરીકે આમંત્રિત કરવાના મોદી સરકારની પહેલની પ્રશંસા કરી
કેમ્બ્રિજ, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ : પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષકો, માછીમારો અને ખેડૂતોને આમંત્રિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.
પૂજ્ય બાપૂએ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતેથી તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે, માછીમારો, શિક્ષકો અને ખેડૂતોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આમંત્રિત કરવા ખૂબજ સારી પહેલ છે. કદાચ પહેલીવાર મોટી સંખ્યામાં સામાન્ય વ્યક્તિઓને ઉજવણીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લાલ કિલ્લાથી સમગ્ર દેશ 77માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યો છે. ટોચના રાજકીય નેતાઓ, અધિકારીઓ, જજ અને બીજા મહાનુભાવો ઉપરાંત કેન્દ્ર સરકારે ઉજવણીના ભાગરૂપે વિવિધ તબક્કાના 1,800 લોકોને ઉજવણીમાં સામેલ થવા આમંત્રિત કર્યાં હતાં.
અધિકારીઓના કહેવા મૂજબ દેશભરમાંથી 400થી વધુ ગામડાના સરપંચો, 300 ખેડૂતો, 50 પ્રાથમિક શાળાના શિક્ષકો, નર્સ અને માછીમારોને લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતાં. આ ઉપરાંત વિશિષ્ટ મહેમાનોની યાદીમાં 50 બાંધકામ કામદારો પણ સામેલ હતાં કે જેઓ નવી સંસદના નિર્માણમાં સામેલ હતાં તથા 50 કામદારો વિશાળ માર્ગો અને બીજા પ્રોજેક્ટ્સના નિર્માણમાં સામેલ હતાં. 75 દંપતિઓ પારંપરિક વસ્ત્રોમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પૂજ્ય બાપુની રામકથા હાલ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની જિસસ કોલેજ ખાતે ચાલી રહી છે. આ કથા ભારત અને અંગ્રેજી સંસ્કૃતિ વચ્ચે લાંબાગાળાના સંબંધોની ઉજવણી છે. આ રામકથા 20 ઓગસ્ટે સમાપ્ત થશે