
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૩–ર૪ ના બીજા પ્રદર્શન તરીકે‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’નું તા. ૪, પ અને ૬ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
ગઇકાલે ૬પ૦૦ જેટલા બાયર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે આજે બીજા દિવસે ૭૧૦૦ જેટલા બાયર્સે આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના યાર્ન નિહાળ્યા હતા. આ બે દિવસ દરમ્યાન દેશના વિવિધ રાજ્યોના ૬૧ શહેરોમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત માટે આવ્યા હતા, જેથી યાર્નના ઉત્પાદકો એવા એકઝીબીટર્સને આ પ્રદર્શનમાં ઢગલાબંધ ઓર્ડર્સ મળ્યા હતા. રવિવારે પ્રદર્શનનો છેલ્લો દિવસ છે અને તેમાં પણ ઘણા બાયર્સ પ્રદર્શનની મુલાકાત માટે આવશે તેવી આશા છે.