પલસાણા તાલુકાની ક્રિષ્ના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ દ્વારા સબસીડીયુક્ત ખેતવપરાશનો નીમકોટેડ યુરિયાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ નોંધાઈ
કંપનીના ચાર ડાયરેકટરો તથા ખાતરનો જથ્થો પુરો પાડનારા વિરુદ્ધ પલસાણા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
સુરત: સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી ક્રિષ્ના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ પ્રા.લિ.માં રેડ કરતા સબસીડીયુક્ત ખેતવપરાશનો નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પલસાણાના ખેતી અધિકારી દ્વારા કંપનીના ચાર ડાયરેકટરો તથા ખાતરનો જથ્થો પુરો પાડનારાઓ વિરુદ્ધ પલસાણા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુ વિગતો પર નજર કરતા તા.૩/૨/૨૦૨૩ના રોજ પલસાણા તાલુકાના ખેતી અધિકારીશ્રી વિવેક મેતલીયાએ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા જોળવા ગામે સવારે ૧૦:૩૦ વાગ્યે બ્લોક નંબર ૨૨૧/૨૨૨માં આવેલી ક્રિષ્ના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ પ્રા.લિ. ખાતે મદદનીશ ખેતી નિયામક(ગુ.નિ) શ્રી આર.બી.પટેલ, મદદનીશ ખેતી નિયામક(કપાસ), સુરત શ્રી ડી. જે. હાસોટિયા અને ખેતીવાડી અધિકારી, ઓલપાડ શ્રીવી.આર.કોરાટ સાથેની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરતા કરતા કલર સ્ટોરની બાજુના ખુલ્લા મકાનની અંદર તપાસ કરતા સંગ્રહ કરેલા યુરિયાના જથ્થાને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ કોટેડ યુરિયા હોવાનું જણાતા તેમના નમુનાઓ લઈને પૃથ્થકરણ અર્થે બારડોલીની ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતો. જે તમામ નમુનાઓ તા.૧૦/૨/૨૦૨૩ના રોજ નીમ કોટેડ યુરિયા હોવાનું ફલિત થયું હતું.
જેથી આ ક્રિષ્ના ડાઈગ તથા ખાતરનો જથ્થો સપ્લાય કરનાર પેઢી ઓશન ટ્રેડર્સ, શોપ નં.૨, ગોકુળ મથુરા કોમ્પ્લેક્સ, મણીનગર કડોદરા, સુરતને તા.૧૬/૨/૨૦૨૩ના રોજ કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેનો કોઈ ખુલાસો ન મળતા તેમને તા.૨૮/૨/૨૦૨૩ના પત્રથી કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. જે પછી તા.૭/૩/૨૦૨૩ના રોજ પત્રથી ખુલાસો મોકલવામાં આવ્યો હતો. જે મુજબ આ જથ્થો તેમણે ઓશન ટ્રેડર્સ, પ્લોટ નંબર ૪૯, ગબ્બરવાડી માતા મંદિર, કડોદરા સુરત પાસેથી ખરીધેલું જાણવા મળ્યું હતું. ઓશન ટ્રેડર્સ તથા ભોલે ટ્રેડર્સને કારણદર્શક નોટીસો મોકલવામાં આવી હતી. જેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો.
વધુમાં ઓશન ટ્રેડર્સ દ્વારા રાસાયણિક ખાતરના રિપોર્ટ બાબતે સંતોષ ન હોવાથી આ સેમ્પલ ગુજરાતના ગાંધીનગરની ખેતી નિયામકની કચેરી ખાતે એનાલીસીસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ કચેરી દ્વારા સેમ્પલોને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ફેરપૃથ્થકરણ માટે મોકલવામાં આવતા તેમાં ઓઈલ કન્ટેન્ટ 0.0૧૫ ટકા હોવાનું નોધાયું હતું. જેથી આ ખાતરમાં સબસીડીયુકત ખેતવપરાશનું નીમકોટેડ યુરિયા ખાતર હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જેથી પલસાણાના ખેતી અધિકારી શ્રી વિવેક મેતલિયાએ આ અંગે તા.૨૦/૭/૨૦૨૩ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના ડાઈગ એન્ડ પ્રિન્ટીંગ પ્રા.લિ.ના ડાયરેકટરો ગોપાલ ભાગીરથ ભૈયા, વસંતકુમાર ભાગીરથ ભૈયા, દિનેશકુમાર ભાગીરથ ભૈયા તથા પિયુષ ડી. ભૈયા તેમજ ખાતરનો જથ્થો પુરો પાડનાર કડોદરાની ઓશન ટ્રેડર્સ તથા મુંબઈની ભોલે ટ્રેડર્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.