SAFF Championship 2023 : કેપ્ટન સુનીલ છેત્રીના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું
SAFF ચેમ્પિયનશિપ 2023ની 14મી આવૃત્તિની બીજી મેચ ભારત અને પાકિસ્તાન(Pakistan) વચ્ચે રમાઈ હતી. બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં કેપ્ટન સુનીલ છેત્રીના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. છેત્રીએ એક પછી એક ત્રણ ગોલ કરીને હેટ્રિક ફટકારી અને પાકિસ્તાની ટીમને ખરાબ રીતે હરાવ્યું.
સપ્ટેમ્બર 2018 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ પ્રથમ ફૂટબોલ મેચ હતી. પાંચ વર્ષ પહેલા SAFF ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ભારતે પાડોશી દેશને 3-1થી હરાવ્યું હતું. ભારત તરફથી સુનીલ છેત્રીએ 10મી મિનિટે અને 16મી મિનિટે ફરી ગોલ કર્યા હતા. બીજા હાફમાં સુનિલ છેત્રીએ 74મી મિનિટે ગોલ કરીને હેટ્રિક પૂરી કરી હતી. તેના સિવાય ઉદંતા સિંહે 81મી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાનની ટીમ મેચમાં એક પણ ગોલ કરી શકી ન હતી.
ભારતીય ટીમે શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાણ બનાવી રાખ્યું હતું. તેણે પહેલા હાફમાં જ બે ગોલ કર્યા હતા. હાફ ટાઇમ સુધી સ્કોર 2-0થી ભારતની તરફેણમાં રહ્યો હતો. ટીમ ઈન્ડિયા આટલેથી ન અટકી. તેણે બીજા હાફમાં શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું અને પાકિસ્તાની ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. છેત્રી 74મી મિનિટે પેનલ્ટી ચૂક્યો ન હતો. તેણે વધુ એક ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી. આ સાથે છેત્રી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર એશિયન ખેલાડી બની ગયો છે.
અગાઉ કુવૈતે બુધવારે SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં નેપાળને 3-1થી હરાવ્યું હતું. પ્રથમ વખત SAFF ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી કુવૈતે શરૂઆતની મિનિટથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. બીજી તરફ નેપાળની ટીમ વળતો હુમલો કરવામાં નિષ્ફળ રહી હતી. શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિજેતા ટીમ માટે ખાલિદ અલ-ઇબ્રાહિમ (23મી મિનિટ), શબીબ અલ ખાલિદી (41મી મિનિટ) અને મોહમ્મદ અબ્દુલ્લા દહામે (65મી મિનિટ) ગોલ કર્યા હતા. નેપાળનો આશ્વાસન ગોલ અંજન બિસ્તાએ 68મી મિનિટે કર્યો હતો.