
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિવિધ ઔદ્યોગિક એસોસીએશનો અને કોર્પોરેટ્સના સહકારથી તા. ૩ અને ૪ જૂન ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૧:૦૦ કલાક દરમિયાન લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ, પિપલોદ, સુરત ખાતે SGCCI Premier League – Open Box Cricket Tournament નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ૩ જૂન ર૦ર૩ ના રોજ સાંજે ૭ઃ૩૦ કલાકે યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પધાર્યા હતા અને તેમના હસ્તે આ લીગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર આનંદ દેસાઇ, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS)ના હજીરા પ્રોજેકટ્સના એકઝીકયુટીવ ડાયરેકટર સંતોષ મુંધડા અને લુથરા ગૃપના ગિરિશ લુથરાએ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.
રવિવાર, તા. ૪ જૂન ર૦ર૩ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે SGCCI Premier League – Open Box Cricket Tournament નો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના રમત ગમત અને યુવક સેવા તેમજ ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા અને મેદાનમાં ઉતરીને તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ક્રિકેટને માધ્યમ બનાવીને ઉદ્યોગકારો, વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સ એકજ સ્થળે એકત્રિત થાય અને ઔદ્યોગિક એસોસીએશનો વચ્ચે પણ બોન્ડીંગ વધે તેમજ એકબીજા સાથે વધુ સારું બિઝનેસ નેટવર્કીંગ થાય, જેથી કરીને વ્યાપાર – ઉદ્યોગનો વધુ વિકાસ થઇ શકે તે હેતુથી ચેમ્બર દ્વારા SGCCI Premier League – Open Box Cricket Tournament નું આયોજન કરવામાં આવ્યું હતું.
મુનાફ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે હું અહીં આવ્યો એવી રીતે દરેક સ્પોર્ટ્સ પર્સન ગુજરાત હોય કે દેશ હોય દરેક સ્થળે જઇને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે તૈયાર જ હોય છે. દેશમાં દરેક લેવલની ટુર્નામેન્ટ રમાતી હોય છે. હાલમાં જ આઇપીએલ પૂર્ણ થઇ છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસપીએલનું આયોજન કર્યું છે. ચેમ્બરે અહીં ખૂબ જ સારું પ્લેટફોર્મ પૂરું પાડયું છે અને દર વર્ષે ચેમ્બર દ્વારા આવી ટુર્નામેન્ટ થવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટ કોઇ પણ હોય પણ તેમાં બેસ્ટ રીતે રમવાનું મહત્વનું હોય છે. આવી ટુર્નામેન્ટથી સ્પોર્ટ્સ પર્સન જ નહીં પણ બધાને જ આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે. ફિલ્ડ કોઇ પણ હોય પણ સ્પોર્ટ્સના માધ્યમથી બધા જ મોટીવેટ થાય છે. ક્રિકેટ રમવાથી આરોગ્ય સારું જ રહે છે. વધુમાં તેમણે બધાને દરરોજ ત્રણથી ચાર કિલોમીટર ચાલવાની સલાહ આપી હતી.
ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેનો આભાર માન્યો હતો. વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી અને માનદ્ મંત્રી ભાવેશ ટેલર તથા ગૃપ ચેરમેનો બિજલ જરીવાલા, દીપક કુમાર શેઠવાલા, ધર્મેશ વાણિયાવાલા તેમજ ચેમ્બરની સ્પોર્ટ્સ એકટીવિટી, યોગા એન્ડ ફિઝીકલ ફિટનેસ કમિટીના ચેરમેન અતુલ સોડીવાલા અને કો–ચેરમેન હનીફ પટેલ ઉપરાંત મેનેજિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા. ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસી અને એન્કર તૃપ્તી શ્રોફે ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. જુનિયર બપ્પી દાએ ગીતોના સૂર પાથરીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત સમાપન સમારોહમાં ભૂતપૂર્વ પ્રમુખો પ્રફુલ્લ શાહ, મહેન્દ્ર કાજીવાલા અને પ્રવિણ નાણાવટી ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, SGCCI Premier League – Open Box Cricket Tournament માં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ, લુથરા ગૃપ, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS), કલર ટેક્ષ, ધી સુરત ટેક્ષ્ટાઇલ કલબ, શટલલેસ વિવર્સ એસોસીએશન, ફેડરેશન ઓફ સુરત ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા), સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન, ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, વેડરોડ આર્ટસિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓ. ફેડરેશન લિ. સુરત, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, ક્રેડાઇ, ફેડરેશન ઓફ ગુજરાત વેલ્ફેર્સ એસોસીએશન (ફોગવા), ધી સુરત મેડિકલ કન્સલ્ટન્ટ્સ એસોસીએશન, સાઉથ ગુજરાત સોલાર એસોસીએશન, ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્યો અને પ્રેસની ટીમ વચ્ચે મેચો રમાઇ હતી. તદુપરાંત ચેમ્બરના સ્ટાફની બે ટીમો વચ્ચે સામ સામે મેચ રમાડવામાં આવી હતી.
સેમી ફાઇનલમાં અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ, ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, સાઉથ ગુજરાત સોલાર એસોસીએશન અને પ્રેસની ટીમ પહોંચી હતી. જેમાંથી બે ટીમો ફાઇનલમાં આવી હતી. અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડે ફાઇનલ મેચ જીતી લીધી હતી અને ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની ટીમ રનર્સ અપ રહી હતી.
આ લીગમાં વિજેતા બનેલી દરેક ટીમના ખેલાડીઓને બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધી મેચ તરીકે ટ્રોફી એનાયત કરાઇ હતી. આ ઉપરાંત SGCCI Premier League – Open Box Cricket Tournament માં ભાગ લેનારી ટીમના દરેક ખેલાડીને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ લીગ માટે ટાઇટલ સ્પોન્સર તરીકે અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ તથા ગોલ્ડ સ્પોન્સર તરીકે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS) અને લુથરા ગૃપનો સહકાર પ્રાપ્ત થયો હતો.