સુરત, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની 100 મી “મન કી બાત” ના કાર્યક્રમની ભવ્ય ઉજવણી સુરત ખાતે કરવામાં આવશે. આગામી 30 મી એપ્રિલ રવિવારના રોજ સુરતનાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે વિગત આપતા રાષ્ટ્રસેનાના અધ્યક્ષ વિનોદ જૈને જણાવ્યુંકે, સુરત ખાતે યોજાનાર “મન કી બાત”નો કાર્યક્રમ ફકત ગુજરાતનો જ નહીં પરંતુ હિન્દુસ્થાનનો સૌથી મોટો કાર્યક્રમ છે. એક સાથે 10,000 જેટલાં લોકો એક સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની “મન કી બાત” સાંભળશે.
પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, હિન્દુસ્થાન સમાચારના ચેરમેન અરવિંદ માર્ડીકર, બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર કવિ લેખકશ્રી મનોજ મુન્તશિર, યુવા દિલોની ધડકન , શાકાહારી બોડી બિલ્ડર અને મોર્ડન સાધુ તરીકે ખ્યાતિ પ્રાપ્ત એવા ભારત સિંહ વાલિયા ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે 9 થી 11 સાંસ્કૃતિક તેમજ બૌદ્ધિક કાર્યક્રમ તેમજ 11 થી 11.30 સુધી મન કી બાતનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ અંગે વધુ વિગતો આપતા વિનોદ જૈને જણાવ્યુંકે, આગામી વર્ષ 2024 ની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદાતાઓનું આ કાર્યક્રમમાં ખાસ સન્માન કરવામાં આવશે. જેથી મતદાતાઓમાં મતદાન પ્રત્ય જાગૃતિ આવે અને એમનામાં રાષ્ટ્ર નિર્માણની ભાવના દ્રઢ બને આ વિચાર સાથે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
સાથો સાથ અલગ અલગ ભાષા, પ્રાંતના લોકો પોતાના પ્રદેશના ટ્રેડિશનલ ડ્રેસમાં આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેશે જેથી લઘુ ભારતનું એક દ્રશ્ય ઊભું થશે અને આ લઘુ ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન ની વાત સાંભળશે.