સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી આગામી તા. રપ/૦ર/ર૦ર૩ થી ર૭/૦ર/ર૦ર૩ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. એકઝીબીશનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે કામ કરતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષી ઉદ્યોગ માટે હબ બની ગયો છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાઇ રહયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦રરમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે, ખેડૂતોના સશકિતકરણથી નવા ભારતને મજબુત આધાર મળી રહયો છે. બિયારણથી લઇને બજાર સુધી દરેક ક્ષેત્રમાં ચારેય બાજુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ખેડૂત ભાઇ–બહેનોની સંકલ્પ શકિતનો પરિણામ છે કે ભારત દેશ હવે કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે. વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે ત્યારે ફૂડ એન્ડ એગ્રીટેક જેવા પ્રદર્શનો એક સીમાચિન્હ બની રહેશે. ચેમ્બર દ્વારા યોજાનારા આ પ્રદર્શનમાં બિયારણથી લઇને બજાર સુધીની શ્રૃંખલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન થકી કૃષી ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની સારી તક મળશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ફૂડનું ચલણ વધી રહયું છે ત્યારે કુદરતી રીતે લાકડાનો ઉપયોગ કરીને કાઢવામાં આવેલા તેલ (દા.ત. કચ્ચી ઘાણી તેલ)ને સ્પ્રે ફોર્મેટમાં પ્રથમ વખત ભારતમાં મિલિયર કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી રહયું છે અને એનું લોન્ચીંગ આ પ્રદર્શનમાં થવા જઇ રહયું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. રપ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સવારે ૦૯.૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેશન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં યોજાશે. જેમાં ઉદ્ઘાટક તરીકે ભારત સરકારના કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે અને ઉદ્ઘાટન કરશે.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા હાજર રહેશે. જ્યારે ડીઆઇટીપી/થાઇ ટ્રેડ સેન્ટર, મુંબઇના એકઝીકયુટીવ ડાયરેકટર સુપાત્રા સ્વાએન્ગશ્રી અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા– મુંબઇના કોન્સુલ જનરલ (ઇકોનોમિકસ) તોલ્હાહ ઉબૈદી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
થાઇ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
આ એકઝીબીશનમાં ‘થાઇ પેવેલિયન’ અલગથી ઉભું કરવામાં આવશે. જેમાં થાઇલેન્ડના ૪૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે. સાથે જ તેઓ થાઇલેન્ડ વીક રોડ શો – ર૦ર૩ નું પણ પ્રદર્શન કરશે.
શહેરીજનો એકજ સ્થળે ૬પ૦ થી વધુ વાનગીઓનો સ્વાદ માણી શકશે
ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે. બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ૧૧પ જેટલા એકઝીબીટર્સ ભાગ લઈ રહયાં છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૬પ૦ થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ્સ ર૦ર૩ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એના ભાગ રૂપે થીમ પેવેલિયન બનાવવામાં આવશે.
આ પ્રદર્શનમાં કૃષી ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.
જ્યારે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફૂડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફૂડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, એડીટીવ્ઝ એન્ડ ફલેવર્સ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફૂડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે ફૂડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફૂડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ / ટેકનોક્રેટ્સ, કન્સલ્ટન્ટ્સ એન્ડ એડવાઇઝર્સ, ફૂડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્સ એન્ડ ડિપ્લોમેટ્સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.