સ્પર્શ મહોત્સવમાં જૈન આધ્યાત્મિક ગુરૂ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન થશે
15 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ પ્રસંગની ભવ્ય ઉજવણીમાં લાખો લોકો ભાગ લેશે
અમદાવાદ: જૈન સંત અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન 22મી જાન્યુઆરીએ કરવામાં આવશે. 15 થી 26 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાનારા આ પ્રસંગની ભવ્ય ઉજવણીમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી અપેક્ષા છે.
શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીએ છેલ્લાં પાંચ દાયકામાં વ્યક્તિ તેમજ સમાજના ઉત્કર્ષ માટે અનેક સુપ્રસિદ્ધ અને દૂરંદેશી વિચારો ધરાવતાં પુસ્તકો લખ્યા છે.
કન્વીનર પલક શાહે જણાવ્યું હતું કે, “શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે માત્ર ધર્મ જ નહીં, પરંતુ સમાજ, કુટુંબ, રાષ્ટ્ર, આર્થિક બાબતો, મનોવિજ્ઞાન, આરોગ્ય સહિતના વિવિધ વિષયો પર 399 પુસ્તકો લખ્યા છે. તેમણે જે વિવિધ વિષયો પર લખ્યું છે તે વિશ્વના કોઈપણ લેખક દ્વારા લખવામાં આવેલ પુસ્તક કરતાં અજોડ છે જે આપણા બધા માટે ગર્વની વાત છે. તેમના 400માં પુસ્તકનું વિમોચન એ એક મોટો પ્રસંગ છે અને તે અનુસાર જ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્પર્શ મહોત્સવ એ 4થી સદીની પૂર્ણાહુતિ, એટલે કે 400માં પુસ્તકનું વિમોચન કરવા માટે યોગ્ય પ્રસંગ છે.”
સ્પર્શ મહોત્સવ 40 લાખ ચોરસ ફૂટ અથવા 90 એકરમાં ફેલાયેલા વિસ્તારમાં યોજાશે. કાર્યક્રમની ભવ્યતા સ્થળની એન્ટ્રીથી જ શરૂ થશે. 1,500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો શાહી દરવાજો મુલાકાતીઓનું સ્વાગત કરશે. ગીરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ પણ સ્થળ પર બનાવવામાં આવશે.
ધાર્મિક ગુરૂઓ અને સંતોના પ્રવચનનો મહત્તમ લોકો લાભ લઈ શકે તે માટે 25,000 લોકો એકીસાથે બેસી શકે તેવો મોટો ભવ્ય ટેન્ટ બનાવવામાં આવશે.
ભગવાન અરિહંતની દિવ્યતાનું ગૌરવ દર્શાવતું 100 ફૂટ ઊંચું ભવ્ય સમવસરણ સ્પર્શ મહોત્સવનું ખાસ આકર્ષણ હશે. અહીં સ્થળ પર દેવી લક્ષ્મીનું સુવર્ણ મંદિર અને દેવી સરસ્વતીનું મંદિર પણ બનાવવામાં આવશે.
એક ઉમદા સમજણની કેળવણી કરતું અનોખું બ્રહ્માંડ, જેમાં કૌટુંબિક બંધનનાં આઠ ગ્રહો જેમ કે; નૈતિક શિક્ષણ, પ્રેમ, શાંતિ, શારીરિક સ્વાસ્થ્ય, સંતોષ વાણી, હકારાત્મકતા અને આધ્યાત્મિકતા સામેલ છે, એ ભવ્ય ઉજવણીનું બીજું વિશેષ આકર્ષણ રહેશે.
શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના જીવનની વાસ્તવિકતા અને યાદગાર ક્ષણો દર્શાવતી એક રત્ન સફારી પણ ધર્મ અને સંસ્કૃતિની ઉજવણીમાં ભાગ લેતા લાખો ભક્તોના લાભાર્થે સ્પર્શ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે.
3D મેપિંગ ટેક્નોલોજી આધારિત એક સ્પેશિયલ શો ”જ્વેલ્સ ઓફ જૈનિઝમ”, દર્શકો સમક્ષ જૈન ધર્મની ઝલક પણ રજૂ કરશે. એક ફન ઝોન, જ્યાં વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ અને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મનું શિક્ષણ સરળ રીતે શીખી શકાય છે, તે મહોત્સવનું બીજું વિશેષ આકર્ષણ છે.
સ્પર્શ મહોત્સવ એ ભારતીય પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો ઉત્તમ અવસર છે. સમગ્ર ભારત અને વિશ્વના લોકો, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આ ભવ્ય પ્રસંગની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે.