પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના દિવ્યાંગ સંજયભાઈનું આત્મનિર્ભર બનવા સપનુ થયું સાકાર
કોરોના બાદ મોબાઈલ રિપેરીંગ વ્યવસાયને ફટકો પડ્યો, પરંતુ સરકારે આર્થિક આધાર આપી વ્યવસાયને પૂર્વવત કરવાની રાહ ચીંધી
સુરતઃ ભારત સરકારની જનસમૂહના કલ્યાણ અને આર્થિક સધ્ધરતાના માર્ગે આગળ
લઈ જતી અનેકવિધ લાભકારી યોજનાઓ અંતર્ગત ગરીબો, ખેડૂતો, મહિલાઓ સહિત તમામ
વર્ગોને સૂક્ષ્મ ધિરાણ દ્વારા આર્થિક મદદ મળી રહે તે માટે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અમલી છે,
જે લાખો નાના વ્યવસાયીઓને સ્વાવલંબી બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આવી
યોજનાઓના લાભ લઈ આગળ આવેલા અનેકો માંથી એક દિવ્યાંગ ની અનોખી સેવા સાથે આર્થિક
રીતે સક્ષમ થયા છે તેવા સુરતના વરાછાના મોબાઈલ રિપેરીંગના વ્યવસાયી સંજયભાઈ પટેલનું
આત્મનિર્ભર બનવાનું સપનુ સાકાર થયું છે. સંજયભાઈ દિવ્યાંગ છે, પણ તેમનો જુસ્સો બુલંદ છે.
આર્થિક આધાર મળવાથી વ્યવસાયની ગાડી પાટે ચડી છે, પરિણામે તેમને બમણાં ઉત્સાહથી કામ
કરવાની પ્રેરણા મળી છે.
સંજયભાઈ જણાવે છે કે, વડાપ્રધાન સ્વનિધિ યોજના હેઠળ મેં મોબાઈલ
રિપેરિંગમાં ઉપયોગી મશીન ખરીદવા માટે ૧૦,૦૦૦ની લોન મેળવી હતી. નજીવા વ્યાજ દરે અને
એ પણ કોઈ ગેરેન્ટેડ વગર લોન મળતા મોટું પીઠબળ મળ્યું. આ યોજના થકી વડાપ્રધાનશ્રીએ
સ્વરોજગાર અને આત્મ નિર્ભરતાનો ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે.
મોબાઈલ રીપેરિંગમાં માસ્ટરી અને બહોળા અનુભવના કારણે સંજયભાઈને સુરત શહેર
સહિત કામરેજ, ઓલપાડ, બારડોલી, નવસારી, પલસાણા વિસ્તારના મોબાઈલ વેપારીઓ
મોબાઈલ રીપેરિંગનું કામ આપે છે. તેમણે પોતાના સંઘર્ષની વાતો વાગોળતા જણાવ્યું હતું કે,
દિવ્યાંગતાના કારણે પહેલેથી જ ઘણી મુશ્કેલીઓ વેઠી છે, છતા અફસોસ કરવાને બદલે તેને
સ્વીકારીને જિંદગીમાં વધુ મહેનત કરીને તેનો સામનો કર્યો છે. બનવું તો ડોક્ટર હતું, પણ ઘરની
નબળી પરિસ્થિતિના લીધે આ સપનુ સપનુ જ રહી ગયું. તેમ છતા હાલ સ્વરોજગાર થકી પોતાના
પગ પર ઉભો છું. દિવ્યાંગ હોવા છતા ૧૯૯૨ થી સુરતની બોમ્બે માર્કેટ પાસેના ગુજરાત
હાઉસિંગમાં મોબાઈલ, પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો રિપેરિંગ કરીને પરિવારને
મદદરૂપ બનું છું અને તેનાથી ઘણો ખુશ છું. મારૂ માનવું છે કે, મહેનત કરનાર ક્યારેય ભૂખ્યો નહીં
રહે. કુદરત સંઘર્ષ કરનારને હંમેશા સાથ આપે છે.
બાળપણની કદી ન ભૂલી શકાય તે વાત કહેતા વધુમાં સંજયભાઈએ જણાવ્યું કે, માતા-
પિતા મને તેડીને સ્કૂલે લઈ જતા ત્યારે નાના બાળકો પોતાના વાલીઓને પુછતા કે આમને શું થયું
છે ત્યારે જવાબમાં વાલીઓ એવું કહેતા કે બિચારાને ભગવાને કેવી વેદના આપી છે. અમે ભલે
શારિરીક રીતે દિવ્યાંગ હોઈએ, પણ બિચારા નહીં બનીએ. દરેક દિવ્યાંગને ઈશ્વર સુષુપ્ત શક્તિ
આપે છે, જે અમારી તાકાત બની જાય છે. લોકોએ દિવ્યાંગોને બિચારા કહેવાના બદલે તેમને
સ્વનિર્ભર કરવા મદદરૂપ થવું જોઈએ.
આત્મનિર્ભર ફક્ત વિચારોથી નહીં પરંતુ પ્રયત્નોથી બની શકાય છે. એટલે પ્રધાનમંત્રીના
આત્મનિર્ભર ભારતના સ્વપ્નને લક્ષ્યમાં રાખીને હું પણ સ્વરોજગાર કરૂ છું એમ જણાવતાં
સંજયભાઈએ વધુમાં કહ્યું કે, અચાનક આવેલી કોરોના મહામારીએ રોજગાર તો છીનવી જ લીધો
હતો, પણ ધીરે ધીરે ભેગી કરેલી બચત પણ ખતમ થઈ ગઈ. વેપારને પૂર્વવત શરૂ કરવા માટે
પુરતા નાણા ન હતા. ત્યારે પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાની
જાણકારી મળતા બેન્કમાં જરૂરી પુરાવા સાથે ફોર્મ આપ્યું, લોન સરળતાથી અને ગેરેન્ટેર વગર
મળી છે.
આ ઉપરાંત, લોનની નિયમિત ચૂકવણી પર વાર્ષિક ૭ ટકા વ્યાજ સહાય અને નિયત
ડિજિટલ વ્યવહારો કરવા માટે પ્રતિમાસ ૧૦૦ રૂપિયા સુધીનું કેશબેક પ્રોત્સાહન તરીકે આપવામાં
આવે છે. આમ સરકારશ્રીના અથાગ પ્રયાસોથી આત્મનિર્ભર બનવા તરફ અનેક નાના, મધ્યમ
વ્યવસાયીઓ આગળ વધી રહ્યા છે.
(આલેખનઃ મહેશ કથીરિયા)